રાજકોટ ડિવિઝનના રેલવે કર્મચારીએ મહિલાનો બચાવ્યો જીવ, ચાલુ ટ્રેને કૂદીને કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

રવિવાર, 17 ઑક્ટોબર 2021 (10:35 IST)
રાજકોટ રેલવે ડિવિઝનના મિકેનિકલ વિભાગ (કેરેજ અને વેગન) માં રાજકોટ સ્ટેશન પર કામ કરતા કેરેજ ફિટર એ.આર. મુર્ગન એ પોતાની સતર્કતા અને સમજદારીથી એક મહિલા મુસાફરને આત્મહત્યા કરતા બચાવી લીધી  હતી.
 
વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે આ ઘટના 15 ઓક્ટોબર, 2021 ની છે જ્યારે બપોરે લગભગ 15.20 કલાકે  ટ્રેન નંબર 09218 વેરાવળ-બાન્દ્રા સૌરાષ્ટ્ર જનતા સ્પેશિયલ રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી રવાના થઈ રહી હતી. તે સમયે ટ્રેનનું રોલીંગ આઉટ પરીક્ષણ કરી રહેલા કેરેજ ફીટર ટેક્નિશિયન (ગ્રેડ 2) એ.આર. મુર્ગન એ જનરલ કોચની અંદર ઝગડાનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક મહિલા મુસાફર કોચનું હેન્ડલ પકડીને લટકતી રહી હતી. મુર્ગને બૂમ પાડી અને અન્ય મુસાફરોને ચેન પુલિંગ કરીને તાત્કાલિક ટ્રેન રોકવા વિનંતી કરી. 
 
થોડી જ ક્ષણોમાં મહિલા પેસેન્જર ટ્રેનમાંથી કૂદી જાય છે અને આત્મહત્યા કરવાના વિચાર સાથે તેનું માથું પાટા પર મુકવાનો પ્રયાસ કરે છે. મુર્ગન, પોતાની સમજદારીઅને સતર્કતા દર્શાવતાં તુરંત દોડી જઈને મહિલા મુસાફરનો હાથ પકડ્યો અને તુંરંત જ તેને પાછળ ખેંચી અને ટ્રેનની નીચે આવતા તેને બચાવી લીધી. 
 
આ દરમિયાન મહિલા મુસાફરનું માથું કોચના એક્સલ બોક્સ સાથે અથડાયું અને તેને ઈજા પણ થઈ. મહિલા મુસાફરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને હાલમાં તેની હાલત ઠીક છે.
 
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે કેરેજ ફિટર મુર્ગનના કાર્યની પ્રશંસા કરતા તેમને સ્થળ પર જ રૂ .3000 અને ડીઆરએમ અનિલ કુમાર જૈન દ્વારા રૂ .2000. રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર