ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ છે. રાજ્યમાં સમગ્ર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે જામનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે.
અંજારમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના ગાંધીધામમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અંજારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગોંડલ શહેરમાં ભારે વરસાદના પગલે અંડરબ્રિજ, બસ સ્ટેન્ડમાં પાણી ભરાય ગયા છે.
અમરેલી જિલ્લામાં બપોર બાદ વરસાદની એન્ટ્રી જોવા મળતા બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. નડાળા, રણપર, ફુલજર, મોટા દેવાળીયા સહિતના આસપાસના સાંબેલાધાર મેઘસવારીથી પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધારે નડાળા ગામમાં અનરાધાર વરસાદ 3 ઇંચ જેટલો પડતા સ્થાનીક નદીમાં ધોડાપુર આવ્યું છે. અમરેલી જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે ગઇ કાલે સાવરકુંડલા, કુંકાવાવ લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે નદીનાળા અને ચેકડેમ ભરાઇ ગયા હતા.
સમયસર ચોમાસાના આગમનને લઇને રાજ્યમાં બીજા વર્ષે વર્ષ સારા વરસાદની આશા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 32.83 મીમી વરસાદ નોંધાયો છે, જે કુલ વરસાદના 3.91 ટકા છે. ઉત્તર ગુજરાતમાં 3.40, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં 3.96, અને સૌરાષ્ટ્રમાં 3.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 4.86 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.