રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છેકે, આજે અને કાલે(9 જુલાઈએ) રાજ્યમાં અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છેકે, 10 જુલાઈથી રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે. 10 જુલાઈથી 13 જુલાઈ સુધી રાજ્યમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભવાના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 10થી 13 જુલાઈ દરમિયાન રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી દ્વારકા, ગીર-સોમનાથ, દીવ, આણંદ, ખેડામાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતમાં હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે.