વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન સતત વરસાદને પગલે વડોદરા શહેરના રાજમહેલ રોડ, માંડવી, ન્યાયમંદિર, રાવપુરા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત વાઘોડિયા રોડ અને આજવા રોડ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા હતા. આજવા ડેમના કેચમેન્ટ એરિયામાં 61 મિ.મી. જેટલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યું છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં રાતથી જ વધારો થઇ રહ્યો છે. ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. કરજણમાં 84 મિ.મી., ડભોઇમાં 73 મિ.મી., વડોદરામાં 49 મિ.મી., વાઘોડિયામા 45 મિ.મી., શિનોરમાં 76 મિ.મી. અને સાવલીમાં 8 મિ.મી. વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં-75 મિ.મી., નસવાડીમાં 50 મિ.મી., પાવી જેતપુરમાં 50 મિ.મી. વરસાદ ખાબક્તો છે. આ ઉપરાંત છોટાઉદેપુર અને કવાંટમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.