રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમીએ ઝાલોદમાં, આઠમીએ દાહોદથી પદયાત્રા

શુક્રવાર, 1 માર્ચ 2024 (06:18 IST)
Rahul Gandhi's Bharat Jodo Nyaya Yatra


- રાહુલ ગાંધી રાજ્યના સાત જિલ્લામાં ફરશે
- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે
- દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટિંગ

ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે પક્ષપલટા વચ્ચે રાહુલ ગાંધી રાજ્યના સાત જિલ્લામાં ફરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાતમી માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. આઠમી માર્ચે દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રાનો પ્રારંભ થશે. ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાય યાત્રા” રહેવાની છે. તેની તૈયારીની સમીક્ષા રૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટિંગ મળી હતી. 
 
આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે
આ મીટિંગમાં કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે, ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફિક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સિંગ દ્વારા થતાં શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને “ભારત જોડો ન્યાય યાત્રા” દરમિયાન વાચા આપવામાં આવશે. રાહુલ ગાંધી પાંચ દિવસમાં ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. 
 
આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે.
ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેનો મુખ્ય ટાર્ગેટ હશે. ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દાહોદ પહોંચે એ પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું. દાહોદ શહેરના પ્રમુખ ઇશ્વર પરમારે રાજીનામું આપી દીધું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ફરી તૂટી રહી છે. પ્રમુખ ઈશ્વર પરમારે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર