કેન્દ્રીય એજન્સી મારફત મળેલી હીન્ટથી સમગ્ર ઓપરેશન ઘડાયુ હતું: ગૃહમંત્રી પ્રદીપસિંહ

બુધવાર, 19 ઑગસ્ટ 2020 (18:55 IST)
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ રાજય ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી. આ દરમિયાન આ ફાયરિંગ થયું હોવાનું રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સત્તાવાર નિવેદન આપ્યું છે. અમદાવાદના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટેલ માં સર્ચ દરમ્યાન એટીએસની ટીમ ઉપર થયેલા ફાયરિંગ અંગે માહિતી આપતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ’ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવા એક શખ્સ આવેલો છે, આવી માહિતી મળતા. ગુજરાત પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડને મળેલી માહિતીના આધારે અમદાવાદની રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની કમરના ભાગે લોડેડ બંદૂક રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરવા જતા તેણે ફાયરિંગ કર્યુ હતું. જોકે, એ વખતે કોઈને ઇજા થઈ નહી પરંતુ પોલીસ ચિત્તા ની જેમ તેની પર તૂટી પડી અને તેને ઝડપી પાડ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. અન્ય પ્રશ્નો ના ઉત્તરમાં પ્રદિપ સિંહે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને છોટા શકીલે ગેન્ગના બે શાર્પશૂટર ભાજપના નેતા ઉપર હુમલો કરવા આવે છે તેવી માહિતી મળી હતી . જેના પગલે એટીએસ અને ક્રાઇમ બ્રાંચના ચુનંદા અધિકારીઓની ટીમે વિનસ હોટલ ઉપર સર્ચ ઓપરેશન કર્યું હતું .અને ગત મોડીરાત્રે આ ઓપરેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ એ તેની પાસે રહેલા રિવોલ્વરથી પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાત 1600 કીલોમીટર અને જમીન સરહદ થી જોડાયેલું રાજય છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે .અને ગુજરાતમાં રાજકીય નેતાઓના હુમલાના ષડ્યંત્રોની માહિતી ગુપ્તચર વિભાગ અને અન્ય એજન્સીઓ દ્વારા મળતી જ હોય છે. ત્યારે આવી ઘટનાઓમાં એટીએસ એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવે છે .જેમાં ગુજરાત પોલીસ કામયાબ નીવડે છે. જોકે આ ઘટનામાં તેની પાસેથી મળી આવેલા મોબાઈલ માં રહેલા ટેકનિકલ ડેટામાં ગોરધનભાઈ ઝડફિયાની વિગતો મળી આવી છે .સાથે સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમના કેટલાક વીડિયો પણ મોબાઈલ માંથી મળી આવ્યા છે. જેના આધારે તે દિશામાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે તેની સાથે અન્ય એક વ્યક્તિની સંડોવણી પણ સામે આવી છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનો સ્વીકાર પ્રદીપસિંહ જાડેજાએ કર્યો છે. અત્રે નોંધનીય છે કે છોટા શકીલ ગેંગના બે શાર્પ શૂટરો પૈકી 1ની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું ગૃહ રાજય મંત્રી પ્રદિપ સિંહ જાડેજા એ જણાવ્યું છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર