શું ગુજરાત પોલીસનો ત્રાસ વધી ગયો? અમેરિકામાં વસતા ગુજરાતીઓની પીએમ મોદીને ફરિયાદ

ગુરુવાર, 28 નવેમ્બર 2019 (14:30 IST)
અમેરિકાથી અમદાવાદ આવેલા ખેડાના ગુજરાતી પરિવારને પોલીસ દ્વારા માનસિક ત્રાસ આપવાની ઘટના તાજેતરમાં જ બની હતી જેને લઇને અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો છે. અમેરિકામાં વર્ષોથી વસતા અને ગુજરાતી લોકો એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને E-Mail કરીને ફરિયાદ કરી છે કે ગુજરાત પોલીસના ત્રાસમાંથી અમને લોકોને મુક્તિ આપો.

અત્રે નોંધનીય છે કે અમેરિકામાં રહેતા ગુજરાતી લોકો પૈકીના મોટાભાગના નરેન્દ્ર મોદી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ પ્રત્યે કૂણી લાગણી ધરાવે છે. પોતાના વતનમાં જ પોતાની જ પોલીસ દ્વારા કોઇ કારણ વગર જ માત્રને માત્ર પૈસા પડાવવાના હેતુથી અડધી રાત્રે હેરાન કરવામાં આવે છે એ વાત તેઓને પસંદ આવી નથી આથી અમેરિકામાં વસતા કેટલાક ગુજરાતીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ રજૂઆતો આપી છે.

પીએમ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે અમે લોકો અમેરિકાથી ગુજરાતમાં આવીએ છીએ ત્યારે અવાર નવાર પોલીસ અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવાને બહાને તમને હેરાન કરવામાં આવે છે તાજેતરમાં ખેડાના પરિવાર સાથે પણ પોલીસે આ પ્રકારનો જ દુર્વ્યવહાર કર્યો છે.

તેમને લખ્યું છે કે પોલીસ અધિકારીઓ એન.આર.આઈ પાસેથી માત્ર ને માત્ર તોડ કરવા માટે જ આવું નાટક કરે છે. ભૂતકાળમાં અને એક ગુજરાતી પરિવારો પાસેથી પોલીસે 25,000 રૂપિયાથી લઇ એક લાખ રૂપિયા સુધીનો તોડ કર્યો હતો. અવાર નવાર વહેલી આવી ઘટનાને પગલે હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ ગુજરાતમાં જતા પણ ડરી રહ્યા છે એવું વડાપ્રધાનને ફરિયાદમાં જણાવાયું છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ કહે છે કે અમે 100 નંબર ઉપર ફોન કરીએ તો પણ અમને પૂરતી મદદ મળતી નથી અમે વર્ષોથી ભાજપના સમર્થકો પણ છીએ આમ છતાં અમારી સાથે બેહૂદું વર્તન કરવામાં આવી રહ્યું છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે ગુજરાત સરકારને તમે કોઈ આદેશ આપો એવી માગણી પણ NRI ગુજરાતીઓએ કરી છે.

અગાઉ ગયા અઠવાડિયે જ મૂળ ખેડા જિલ્લામાં રહેતો પરિવાર મોડી રાત્રે અમદાવાદ આવ્યો હતો. એરપોર્ટથી લગભગ બે કિલોમીટરના અંતરે પીસીઆર વાન ઊભી હતી તેમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ આ NRI પરિવાર પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ સંદર્ભમાં પરિવારના એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોન પર પોલીસની દાદાગીરીનું વિડીયો શુટીંગ કર્યું હતું બાદમાં આ વીડિયો ક્લિપિંગને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી.

અમેરિકામાં પણ લોકોએ આ વીડિયો ક્લિપિંગ ને જોઈ છે જેને પગલે યુએસમાં વસતા ગુજરાતી લોકોમાં જબરદસ્ત આક્રોશ વ્યાપી ગયો છે આજે અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભેગા થયા હતા તેમજ ગુજરાતમાં અવારનવાર એન.આર.આઇ પરિવાર સાથે પોલીસ બેહૂદું વર્તન કરે છે અને ઘણા કિસ્સાઓમાં પોલીસ દ્વારા ધાકધમકી આપીને તોડબાજી પણ કરાતી હોવાની ચર્ચા થઈ હતી.

આખરે અમેરિકામાં વસતા લોકો એ નક્કી કર્યું કે આ સંદર્ભમાં આપણે આપણા ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહને ફરિયાદ કરવી જેથી અનેક ગુજરાતી પરિવારો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈમેલ કરીને ફરિયાદ કરવામાં આવી છે.

જોકે આ ઘટનાની ગુજરાત સરકારે પણ ખૂબ જ ગંભીર નોંધ લીધી છે તાજેતરમાં જ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને સૂચના આપી હતી કે અમેરિકા, લંડન કે કોઈપણ દેશમાંથી ગુજરાતમાં આવી રહેલા NRI પરિવારને પોલીસ ખોટી રીતે ના કરે તે માટેના તમામ પગલાં લેવા એટલું જ નહીં જરૂર જણાય ત્યારે ખૂબ જ સખતાઈથી પગલાં ભરવાનો આદેશ પણ આપ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની તાકીદ પણ ડી.જી.ને કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર