કોંગ્રેસના નેતા શક્તિસિંહે કહ્યું, મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરમાં માફી માગે, નહિ તો હું તેમની સામે બદનક્ષીનો અને ફોજદારી કેસ દાખલ કરીશ

બુધવાર, 17 ઑક્ટોબર 2018 (09:20 IST)
કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ અને સિવિલ સ્યુટ દાખલ કરશે. આ અંગે પત્રકાર પરિષદમાં વધુ જાણકારી આપતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કરેલા નિવેદનો બદલ તેઓ ૧૫ દિવસમાં માફી માગે અન્યથા હું તેમના પર ક્રિમિનલ કેસ અને બદનક્ષીનો સિવિલ કેસ દાખલ કરવાનો છું.
 
પત્રકાર પરિષદમાં ગોહિલે વધુમાં જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં જે કંઈ બન્યું છે તે કોઈ સ્વયંભૂ બનેલી ઘટનાઓ નહોતી. ગુજરાતીઓનું ડીએનએ ઉદ્યમી અને મહેનત કરીને પાંચ પૈસા કમાવાનું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાના ધંધા-રોજગારો ઠપ્પ થયા છે. પેટ્રોલ-ડિઝલમાં સતત ભાવવધારો, નોટબંધી, જીએસટી વગેરે જેવા કારણોથી યુવાનો પાસે રોજગાર નથી યુવાનો બેકાર બન્યા છે. ફિક્સ પગારના નામે યુવાનોનું શોષણ થાય છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા, વીજળી નથી મળતી, પાણી નથી મળતું, આ બધા કારણોસર યુવાનોમાં આક્રોશ છે. પેટ્રોલ અને ડિઝલ રોજેરોજ મોંઘા થતા જાય છે, રૂપિયો નબળો પડતો જાય છે. દેશના ઈતિહાસમાં રૂપિયો સૌથી કમજોર અત્યારના સમયમાં બન્યો છે. આ
બધામાંથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે ઉત્તર ભારતીયો પર હુમલાઓ એ ભારતીય જનતા પાર્ટીની એક સોચી-સમજી ચાલ છે.
 
ભાજપના હિંમતનગરના એક ધારાસભ્યએ ગુજરાતમાં ઉત્તર ભારતીયોને હાંકી કાઢવાની વાત જાહેરમાં કરી છે. આ ઉપરાંત ભાજપના અન્ય એક પદાધિકારીએ પણ ઉત્તર ભારતીયોને ગુજરાતમાંથી હટાવવાની અને ગુજરાતને બચાવવાની વાત તેમના દ્વારા મૂકાયેલ એક પોસ્ટમાં કરવામાં આવી છે. યુપી, બિહાર કે એમપી કોઈ જ ઉત્તર ભારતીયો ના જોઈએ એમ તેમણે તેમની પોસ્ટમાં જણાવ્યું છે. આ ઉપરાંત ભાજપના અન્ય એક નેતાએ પણ મહિસાગર જીલ્લામાંથી ઉત્તર ભારતીયોને ચાલ્યા જવાની વૉર્નિંગ આપી છે. શક્તિસિંહ ગોહિલે ભાજપના જ નેતાઓ ગુજરાતમાંથી હાંકી કાઢવા માટેના અભિયાનો ચલાવે છે તેના પુરાવા સાથે વિગતો રજૂ કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રણ આપવા ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા હતા. તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતમાં ઉત્તર ભારતીયોના પલાયન અને તેમના પર થયેલ હુમલાના સંદર્ભમાં કોંગ્રેસના નેતા અને બિહાર કોંગ્રેસના પ્રભારી પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ પાછળ બિહાર કોંગ્રેસના પ્રભારી જવાબદાર છે જેને પગલે કોંગ્રેસના નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને મુખ્ય પ્રધાન સામે કેસ દાખલ કરવા જણાવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર