કોઈએ ભાજપના નેતાઓને મળવું નહીં અને પાર્ટી બદલુ ધારાસભ્યોને વાજતે ગાજતે વિદાય અપાશેઃ ધાનાણી

સોમવાર, 3 જૂન 2019 (12:23 IST)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી અને વિધાનસભા પક્ષની એક બેઠક રવિવારે પ્રદેશ કાર્યાલય ખાતે મળી હતી. આ બેઠકમાં અફવા ફેલાય નહીં એટલે રાજ્યસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી કોઇ ધારાસભ્યએ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા જવું નહીં તેવી સ્વૈચ્છિક આચારસંહિતા પાળવી તેવું નક્કી કર્યું છે. વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપમાં જવા માગતા કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યને બેન્ડવાજા સાથે વિદાય આપશે. બેઠકમાં થોડા સમય પહેલા કોંગ્રેસના બે ધારાસભ્ય રોડ મંજૂર કરવાના જોબ નંબર લેવા જતા તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવી વાત બહાર આવી હતી. આ ઘટનાની કોંગ્રેસના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે એ‌વું નક્કી થયું હતું કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ખોટી અફ‌વા ફેલાઈ તેના કરતાં રાજ્યસભાની ચૂંટણી સુધી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે મંત્રીઓને મળવા જવું નહીં. આમ છતાં મત વિસ્તારના અગત્યનું કોઈ કામ હોય તો સિનિયર ધારાસભ્યોને સાથે લઇને જવું, જેથી કરીને કોઇ ખોટી અફવા ફેલાય નહીં. બેઠક પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ગોડસેની વિચારધારાવાળો પક્ષ સત્તા પર આવ્યો છે ત્યારે કોંગ્રેસ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની વિચારધારા માટે સંઘર્ષ કરશે. બેઠકમાં પરાજયનું વિશ્લેષણ, આગામી કાર્યક્રમો સહિતની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધાનાણી સોમવારે દિલ્હી જશે. તેઓ ખાસ કરીને સ્મૃતિ ઇરાનીએ હજુ રાજ્યસભામાંથી રાજીનામું નથી આપ્યું ત્યારે આવી સ્થિતિમાં આવનારી રાજ્યસભાની ચૂંટણીની ચર્ચા કરશે. ઉપરાંત 26 બેઠક પર પરાજયનો અહેવાલ સહિતની બાબતોને લઇને ચર્ચા કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર