કોંગ્રેસે વિપક્ષના નેતા ધાનાણીને અમરેલીથી લોકસભાની ટીકીટ આપી, જાણો બીજા કોને મળી
બુધવાર, 3 એપ્રિલ 2019 (11:06 IST)
કોંગ્રેસ દ્વારા બાકી રહેલી લોકસભા બેઠકો માટે ઉમેદવારોની આજે મોડી સાંજે ઘોષણા કરી છે. સીઇસીની નવી દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં અમરેલી બેઠક માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણી, સુરેન્દ્રનગર માટે કોળી નેતાસોમા ગાંડા પટેલ, ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહની સામે સી.જે. ચાવડા જયારે જામનગર લોકસભા બેઠક માટે આહીર સામે આહીર ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો જબરદસ્ત જ્ઞાતિગત ટક્કર પુરી પાડે તેવા છે, જે આગામી ચૂંટણીને વધુ રોચક બનાવશે. આ યાદી બાદ જામનગરમાં આહીર જ્ઞાતિના ભાજપના પૂનમ માડમ સામે દ્વારકા વિધાનસભા બેઠક ઉપરથી અગાઉ હારી ચૂકેલા ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને કોંગ્રેસ પક્ષે ઉતાર્યા છે. જયારે કોળી મતદારોથી પ્રભાવિત ઉમેદવારો ધરાવતી સુરેન્દ્રનગર બેઠક ઉપર કોંગ્રેસે જુના કોંગ્રેસી જોગી સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ભાજપના ડો.મહેન્દ્ર મુંજપરા સામે ઉતાર્યા છે. અમરેલીમાં બે ટર્મથી સીટિંગ સાંસદ ભાજપના નારણ કાછડિયાની સામે કોંગ્રેસ દ્વારા પ્રમુખ પરેશ ધાનાણીને જ ઉતારી દીધા છે. આમ, અહીં પાટીદાર સામે પાટીદાર નેતાને જ ઉતારવામાં આવ્યા છે ગાંધીનગરની તો અહીં ડો. સી. જે. ચાવડા, જે ક્ષત્રિય મતદારો ઉપર પ્રભુત્વ ધરાવે છે તેને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે મુકાબલો કરવો પડશે.