ડેપ્યુટી મામલતદાર સાજીદ મેરુજયે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, "આ જે આતંકવાદી હુમલો થયો છે જમ્મુ-કાશ્મીરમાં, તેમાં શૈલેષભાઈ કળઠિયાનું દુ:ખદ અવસાન થયું છે. તેમના પિતરાઈ મયૂરભાઈ તેમણે અમારો સંપર્ક સાધ્યો હતો. તેઓ મોટા વરાછા ખાતે રહે છે. તેમના તરફથી અમને સૂચના મળી હતી. તેમના વિશે જાણકારી માટે અમે ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશનમાં અને જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કર્યો. ત્યાંથી અમને આ સમાચારની પુષ્ટિ મળી છે. તેમની સાથે તેમની પત્ની શિતલબહેન, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ પણ સાથે હતાં. પરંતુ તેઓ હાલ સુરક્ષિત છે. તેમને કોઈ ઇજા થઈ નથી. તેઓ હાલ જિલ્લાના મુખ્યાલયમાં છે."
સુરત ખાતે અમારા સહયોગી રૂપેશ સોનવણેએ જણાવ્યું છે, "શૈલેષભાઈનો પરિવાર મોટા વરાછા ખાતે ચીકુવાડી વિસ્તારમાં રહેતો હતો. તેઓ મૂળ સુરતના હતા પરંતુ મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. તેઓ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા હતા."
શૈલેષભાઈના પાડોશી રમેશભાઈ ઢાકેચાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "તેઓ મારા પાડોશી થાય, તેઓ મુંબઈમાં નોકરી કરતા હતા, તેઓ ફરવા ગયા હતા અને આતંકવાદી હુમલામાં તેમનો ગોળી વાગી અને તેમનું મૃત્યુ થયું છે. હાલ તો આ પરિવાર મુંબઈ રહે છે અને તેમનું મકાન ભાડે આપેલું છે."