ગુજરતમાં ઓવૈસીના AIMIM ના ઉપાધ્યક્ષને માર્યું ચાકૂ, કર્ણાટકમાં બજરંગ દળના કાર્યકર્તાની હત્યાના આરોપી લાગ્યો UAPA

સોમવાર, 7 માર્ચ 2022 (12:32 IST)
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાતના ઉપાધ્યક્ષ શમશાદ પઠાણ પર રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. પઠાણને પગમાં ચાકુ મારવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
 
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવાર બજારમાં બની હતી. આરોપી અને પઠાણના સંબંધી વચ્ચે મારામારી થઈ હતી. જ્યારે પઠાણે આ મામલે દરમિયાનગીરી કરી ત્યારે આરોપીઓએ તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ કોઈ આયોજનબદ્ધ ઘટના હોય તેવું લાગતું નથી. પઠાણ હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાની બહાર છે.
 
તો બીજી તરફ કર્ણાટક પોલીસે 20 ફેબ્રુઆરીએ બજરંગ દળના કાર્યકરની હત્યાના સંબંધમાં 10 લોકો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો (UAPA) લાગુ કર્યો છે.
 
રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હત્યા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનું જણાય છે. UAPA મોટે ભાગે એવા કિસ્સાઓમાં લાદવામાં આવે છે જ્યાં રાષ્ટ્રીય અખંડિતતા જોખમાય છે. UAPA શંકાસ્પદ વ્યક્તિને 30 દિવસ સુધી પોલીસ કસ્ટડી આપે છે, જ્યારે તેની પાસે ચાર્જશીટ દાખલ કરવા માટે 180 દિવસ છે. સામાન્ય રીતે પોલીસને ચાર્જશીટ દાખલ કરવા માટે માત્ર 90 દિવસનો સમય મળે છે. UAPA હેઠળ આરોપીઓને સરળતાથી જામીન મળતા નથી.
 
20 ફેબ્રુઆરી 2022ના રોજ શિવમોગામાં બજરંગ દળના કાર્યકર હર્ષની હત્યા કરવામાં આવી હતી. આ પછી વિસ્તારમાં હિંસા અને તણાવ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક પ્રશાસને પણ શાળા બંધ કરવાની જાહેરાત કરવી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હર્ષની હત્યા કરનારા લોકો સાથે તેનો 2016થી વિવાદ ચાલી રહ્યો હતો. એક આરોપી મોહમ્મદ કાસિફ 2017માં હર્ષ સાથે જેલમાં હતો. હત્યામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે અગાઉ પણ લૂંટના કેસ ચાલી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર