અમદાવાદમાં રોડ કપાતને લઈને ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ શરૂ થયો છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ કપાત નહીં આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે તેવી માહિતી સ્થાનિક લોકોને મળતા તેઓએ બેનરો લગાવી વિરોધ કર્યો છે.
સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો
સ્થાનિકોએ આગામી દિવસોમાં જો રોડ કપાત કરાશે તો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ અંગે નારણપુરાના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. ભાજપના નેતાઓએ અમને વિશ્વાસમાં લઈ અમે કામગીરી કરીશું એવી ખાતરી આપી હતી.
ચૂંટણી પછી રોડ કપાતનો અમલ શરૂ કર્યો
વિધાનસભાની ચૂંટણીને પૂર્ણ થયાને છ મહિના નથી થયા ત્યારે તેઓ રોડ કપાતનો અમલ કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ ફરી વિરોધ કર્યો છે.સ્થાનિક આગેવાનોએ નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હતી.આ રોડને કપાતની જરૂર નથી, છતાં પણ શા માટે કરી રહ્યા છો. તેઓની પાસે કોઈ જવાબ નહોતો.