અમદાવાદમાં રોગચાળો બેકાબુ બની રહ્યો છે. બીજી તરફ શહેરમાં કોરોનાના કેસો પણ વધી રહ્યાં છે. ત્યારે વાયરલ ઈન્ફેક્શનની પણ ફરિયાદો હોસ્પિટલોમાં જોવા મળી છે. ત્યારે શહેરમાં ફરિવાર લોકોને ફફડાટ થાય તેવા સમાચારો મળી રહ્યાં છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સ્વાઈન ફ્લુના એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ શહેરમાં દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વક્યો છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં બે સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ હતા. 26 જુલાઈએ નારણપુરા અને 27 જુલાઈએ સરખેજ વિસ્તારમાંથી સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
27 જુલાઈએ દાખલ થયેલા સરખેજના દર્દીની હાલત ગંભીર જણાતી હતી એટલે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જેમાં દર્દીનું 28 તારીખ ના રોજ મોત નિપજ્યું છે. જ્યારે નારણપુરાનાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દી બાયપેપ પર સારવાર હેઠળ છે. એક તરફ કોરોનાનાં કેસોમાં વધારો તો બીજી તરફ સ્વાઇન ફ્લૂથી એક દર્દીનાં મોતે તંત્રની ચિંતા વધારી દીધી છે.કોરોના વાયરસ બાદ સ્વાઈન ફ્લુ કેસને લઈ સોલા સિવિલ હોસ્પિટલમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને સ્વાઈન ફ્લુ માટે A6 કરીને વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ ખાતે રહેતા તમામ દર્દીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.