હવે સવર્ણ શબ્દ લખવો કે બોલવો નહીંઃ ગુજરાત સરકારનો નિર્ણય
બુધવાર, 10 જુલાઈ 2019 (11:43 IST)
ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો આદેશ કરવામા આવ્યો છે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આદેશ કરાયો છે કે, ગુજરાતમાં હવેથી સવર્ણ શબ્દ બોલવા અને લખવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ શબ્દ ગેરબંધારણીય છે. ગુજરાત સરકાર દ્વારા કરાયેલા આદેશમા કહેવામાં આવ્યું છે કે, સરકારના તમામ વિભાગો, બોર્ડ નિગમ, ગ્રાન્ટેડ સંસ્થાઓ, તમામ સ્કૂલો, યુનિવર્સિટીઓ, પાલિક-પંચાયતો, મહેસૂલી રેકર્ડમાંતી સવર્ણ શબ્દ દૂર કરવામાં આવે. ગુજરાત સરકારે સવર્ણ શબ્દ બોલવા અને લખવા પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપસચિવ વિષ્ણુ પટેલની સહીથી સરવે વિભાગોને આ સંદર્ભે પત્ર લખીને આદેશ કરાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં જાતિવાદના અજગરે ભરડો લીધો છે. જાતિવાદને કારણે સમાજમાં અસંતુલન વધી ગયું છે. જેને કારણે સમાજના માનસિકતા પર અસર થાય છે. ત્યારે આ ભેદભાવને દેર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આદેશ મુજબ, સરકારી વ્યવસ્થાઓમાં સવર્ણ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો તેવા તમામ દસ્તાવેજો અને આ શબ્દોના પ્રયોજનના પ્રમાણોની વિગતો મોકલી આપવાની રહેશે.