ગુજરાતમાં ફરી એકવાર પેપરલીકનો કાંડ સામે આવ્યો છે. આ વખતે કોઇ સરકારી પરીક્ષા નહી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરમાં ફૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. પેપર લીકની ઘટના બાદ આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે, બી. કોમ નું આજનું પેપર રદ્ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પરીક્ષા નિયામક નિલેશ સોનીની મોડી રાત સુધી પુછપરછ કરવામાં આવી હતી.
પરીક્ષા નિયામક નીલેશ સોનીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીને અને તેઓને ચોક્કસ કારણથી ટાર્ગેટ બનાવવા માટે આ બંને પેપર ફોડવામાં આવેલ છે.યુનિવર્સિટી દ્વારા સીલબંધ કવરમાં આગલા દિવસે કોલેજો ઉપર પેપરો રવાના કરાતા હોય છે અને તેનો વીડિયો ઉતારી પરીક્ષા વિભાગને મોકલવાનો હોય છે. પરંતુ આ ઘટનામાં યુનિવર્સિટીને નુકસાન પહોંચાડવા માટે કોઇ કોલેજ સંચાલકોએ આ કૃત્ય કર્યું છે. આ કૃત્ય કરનાર કોલેજનું જોડાણ રદ કરવા સુધીનાં પગલા લેવામાં આવશે.
13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે મીડિયા પાસે પહોંચી હતી. બી. કોમનું આજનું પેપર રદ થતાં 70 થી વધુ કોલેજના 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. પેપર લીક પ્રકરણમાં આજે ગુનો દાખલ કરવામાં આવશે. આજે સવારે ફરી યુનિવર્સિટીના સતાવાળાઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનને પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.