હવે રોબોટીક તકનીકની મદદથી “સાઇબર નાઇફ” મશીન કેન્સરનું સચોટ નિદાન અને સારવાર કરશે, આડઅસરની સંભાવનાઓ નહિવત બનશે

શનિવાર, 28 ઑગસ્ટ 2021 (13:44 IST)
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ રેડીયોથેરાપી મશીન વિકસાવવામાં આવ્યા છે જે ટૂંક સમયમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત કરવામાં આવશે. જેમાં અંદાજીત 16.30 કરોડના ખર્ચે અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યુ છે. જે મોઢા તથા ગળાના, ગર્ભાશયના,સ્તન, પ્રોસ્ટેટના, ફેફસા અને બ્રેઇન કેન્સરના સચોટ નિદાન અને સારવારમાં અત્યંત અસરકારક સાબિત થશે. 
 
આ મશીનથી જે ભાગમાં બિમારી હોય તેટલા ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જેના કારણે શરીરના અન્ય ભાગમાં રેડીયશનની આડઅસરની સંભાવના ઘટી જાય છે. અંદાજીત 22 કરોડના ખર્ચે ટોમોથેરાપી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જેના દ્વારા શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એક સાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાશે.
સાઇબર નાઇફ મશીન જે અંદાજીત 27.56 લાખના ખર્ચે અમેરીકન સ્થિત કંપની ના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનાવામાં આવે છે. રોબોટ દ્વારા આ મશીન થકી સારવાર શક્ય બને છે. મગજના કેન્સર તથા શરીરમાં ખૂબ જ નાની કેન્સરની ગાંઠ હોય તેવા કિસ્સામાં ફક્ત કેન્સરગ્રસ્ત ભાગને જ સારવાર આપીને અન્ય ટીસ્યુ(પેશીઓને) નહીવત નુકસાન પહોંચે તે પ્રકારની સચોટ સારવાર આ મશીન ઉપલબ્ધ કરાવે  છે. 
 
બ્રેકીથેરાપી મશીન 3 કરોડ 25 લાખના ખર્ચે યુરોપ સ્થિત કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કેન્સર હોસ્પિટલમાં આ મશીનના કાર્યાન્વિત થવાથી ખાસ કરીને કેન્સર ગ્રસ્ત સ્ત્રીઓ વધુ લાભ થનાર છે. આ પ્રકારનું મશીન ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર, અન્નળી કેન્સરમાં જે ભાગમાં ગાંઠ હોય તે જગ્યામાં જરૂરી અને સુરક્ષિત માત્રામાં રેડિયોથેરાપી ડોઝ પહોંચાડે છે. 
 
5 કરોડ અને 86 લાખ ના ખર્ચે સીટી સીમ્યુલેટર પણ કેન્સર હોસ્પિટલમા કાર્યરત કરવામાં આવનાર છે જેના દ્વારા દરેક રેડિયોથેરાપીની સારવાર પહેલા જે ભાગમાં બિમારી હોય તે ભાગમાં કોમ્યુટરાઇઝ સારવાર પ્લાનીંગ માટે દર્દીના સી.ટી. સ્કેન કરવામાં આવશે. આ તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર