પ્રેમી પેટના ભાગે છરીનો ઘા ઝીંકે એ રોકવા મહિલાએ પ્રતિકાર કર્યો તો બંને હાથમાં છરીના ઘા ઝીંકતાં લોહીલુહાણ બની હતી. હુમલો કર્યા બાદ પ્રેમી નાસી છૂટ્યો હતો અને મહિલાને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે. હાલ સમગ્ર ઘટનાને લઈને ધોરાજી પોલીસે ભોગ બનનારની ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજીના આંબાવાડી કોલોનીમાં રહેતી 25 વર્ષીય ફરજાનાબેન ઉર્ફે હજુ સીતારભાઈ માલવિયા નામની મહિલા પર ગઇકાલે મૂળ આટકોટના અને હાલ રાજકોટ રહેતા સુલતાન ઉર્ફે ટીપુ જનમામદભાઈ જુણેજા નામના પ્રેમીએ હુમલો કર્યો હતો. પતિ સાથે છૂટાછેડા લઇ મહિલા એક વર્ષ પહેલાં પ્રેમી સુલતાન સાથે રાજકોટ રહેતી હતી. બાદમાં ફરજાના ધોરાજી પોતાના માતાના ઘરે પરત જતી રહી હતી. સુલતાને ફરજાનાને પરત રાજકોટ આવી જવા દબાણ કર્યું હતું, પરંતુ ફરજાના પરત ન આવતાં સુલતાન અને તેના મિત્રએ ધોરાજી જઈ છરીથી હુમલો કર્યો હતો