લ્યો બોલો અમદાવાદના રોડ રિપેરિંગમાં કોઈ કોન્ટ્રાક્ટરને રસ નથી

ગુરુવાર, 15 માર્ચ 2018 (12:45 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર કોઈ કોન્ટ્રાક્ટર રોડ-રસ્તાના કામ માટે ટેન્ડર ભરવા આગળ આવ્યો નથી. 132 કરોડના ખર્ચે શહેરના પોશ વિસ્તાર અમદાવાદ પશ્ચિમ અને ન્યુ વેસ્ટ ઝોનમાં રોડ રસ્તાના રીપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ કોઇ કોન્ટ્રાક્ટર આ ટેન્ડર ભરવા માટે આગળ નથી આવતો. હકીકતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આ ટેન્ડરમાં રસ ન લેવા પાછળનું કારણ રોડરસ્તાની ક્વોલિટી મામલે હાઈકોર્ટનું કડક વલણ છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ ટેન્ડરમાં આકરી શરતો, હાઈકોર્ટ દ્વારા રોડ-રસ્તાની ક્વોલિટીની માગ અને કોર્પોરેશન દ્વારા બોડકદેવ વિસ્તારમાં ખરાબ કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ FIR બાદ તમામ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા પહેલા 100 વાર વિચાર કરી રહ્યા છે.

એક ઉચ્ચ કોર્પોરેશન અધિકારીએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડર ન ભરીને કોર્પોરેશન પર દબાણ કરવામાં આવી રહ્યું છે કે જેથી કોર્પોરેશન ટેન્ડરની આકરી શરતોને હળવી બનાવે. જે દર્શાવે છે કે કોન્ટ્રાક્ટર્સની એક આખી ગેંગ બની ગઈ છે જેમણે કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલ કામોમાં ગફલા કરીને કરોડ રુપિયાની કમાણી કરી છે.  કેટલાક કોન્ટ્રાક્ટર્સ દ્વારા કઈ રીતે સાંઠગાંઠથી મોટો કોન્ટ્રાક્ટ્સ રાખવામાં આવતા હતા તેની એક આછી ઝલક મેળવવી હોય તો પણ ફક્ત 6 એપ્રિલ 2017થી 13 જુલાઇ 2017 સુધીમાં બે મહિનામાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ રોડ રસ્તાના કોન્ટ્રાક્ટને જોતા જ ખબર પડી જાય છે. આ બે મહિનામાં કોર્પોરેશને રુ. 205.93 કરોડનો ધુમાડો એવા રોડ બનાવવા પાછળ કર્યો જે જુલાઈ મહિનામાં પડેલા વરસાદમાં પણ ધોવાઈ ગયા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર