ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. જેથી નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ થનારા નામોને અંતિમ રૂપ આપી શકાય. એવી અટકળો છે કે પટેલ તેમના મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સામેલ કરશે અને ઘણા જૂના નેતાઓએ યુવા નેતાઓ માટે જગ્યા ખાલી કરવી પડી શકે છે. આવી સ્થિતિમાં નીતિન પટેલ જેવા નામ પર સસ્પેન્સ કાયમ છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના રાજીનામાં બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવામાં આવે તેવી અટકળો ચાલી રહી હતી, તે જ સમયે નીતિન પટેલના બદલે અન્ય પાટીદાર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવતા નીતિન પટેલ નારાજ છે. પરંતુ નારાજગી જાહેરમાં વ્યક્ત કરવાને બદલે પક્ષના મોવડીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. પરંતુ હાઇકમાન્ડનો નિર્ણય હોવાનું જાણ્યા પછી નીતિન પટેલ એકદમ ચૂપ થઈ ગયા હતા.
નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી.બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી.