બિન-સચિવાલયની રદ થયેલી પરીક્ષા આગામી તા.૧૭ મી નવેમ્બરના રોજ લેવાશે

બુધવાર, 16 ઑક્ટોબર 2019 (16:52 IST)
બિન-સચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી તા.૧૭ મી નવેમ્બર-૨૦૧૯ ના રોજ યોજાશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે તે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. હવે ધોરણ-૧૨ પાસ અને ગ્રેજ્યુએટ યુવાનો પણ આ પરીક્ષા આપી શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓએ જે તૈયારી કરી હતી અને મા-બાપની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે માટે યુવા વર્ગ, ધારાસભ્યશ્રીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલ રજુઆતોને ધ્યાને લઇને વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. 
 
રાજ્ય સરકારે યુવાનો સરકારી સેવામાં જોડાઇ શકે તે માટે ભૂતકાળની સરકારોએ ભરતીમાં જે કાપ મુક્યો હતો એ આ સરકારે કાપ ઉઠાવીને વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવ્યું છે અને તે મુજબ છેલ્લા ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. ગત વર્ષે ૭૦,૦૦૦ થી વધુ યુવાનોની સરકારી સેવાઓમાં ભરતી કરવામાં આવી છે જેનો લાભ પ્રજાને વધુ સારી રીતે સરકારી કામગીરી પુરી પાડવામાં થઇ રહ્યો છે. 
 
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન-સચિવાલય સંવર્ગમાં ૩૭૭૧ વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ લોકસભાની સામાન્ય ચુંટણીઓની આચારસંહિતા આવવાથી ભરતી પ્રક્રિયા મોકુફ રહેલ. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ૧૦ % આર્થિક અનામતનો કાયદો બનાવ્યો તેનો રાજ્યના યુવાનોને લાભ મળે તે આશયથી ગુજરાતે ઇ.ડબલ્યુ.એસ. ક્વોટાનો દેશભરમાં સૌ પ્રથમ અમલ કરીને ઇ.ડબલ્યુ.એસ. ના ઉમેદવારોને પણ સરકારી સેવામાં તક મળી રહે તે માટે આ ભરતીમાં જોગવાઇ કરી છે. 
 
તેમણે ઉમેર્યુ કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફીકેશન બહાર પડી ગયું હોવા છતાય ૧૦ લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી. તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે. આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના ૩૧૭૧ જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે. આ માટે કોઇ નવું રજીસ્ટ્રેશન યુવાનોએ કરવાનું રહેશે નહી. પરીક્ષા માટેના કોલલેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી સેવાઓમાં યુવાનોને તક આપવા માટે જી.પી.એસ.સી., ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાઓનું આયોજન થાય છે. જેમાં સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરીને યુવાનોને નોકરી આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર