અમદાવાદમાં સગીરાના પિતાએ મિત્રતા તોડવા ધમકી આપતા ધોરણ 10ના વિદ્યાર્થીએ ફાંસો ખાધો

સોમવાર, 24 જાન્યુઆરી 2022 (08:46 IST)
ચાંદખેડામાં રહેતા અને ધોરણ-10 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં કિશોરના પિતાએ દીકરાની સાથે અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના પિતા વિરુદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થી સાથે મિત્રતા તોડી દેવા અને નહીં બોલવા માટે વિદ્યાર્થિનીના પિતા ફોન કરીને ધાક ધમકી આપતા હોવાથી તેમના દીકરાએ આત્મહત્યા કરી લીધી હતી. 
 
ચાંદખેડા વિસ્તારમાં રહેતા 16 વર્ષના કિશોરે શનિવારે રાતે 11 વાગ્યે તેના ઘરમાં જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી કિશોરનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે ચાંદખેડા પીઆઈ વી.એમ.દેસાઈ એ જણાવ્યું હતુ કે કિશોર ધોરણ-10 સીબીએસસી બોર્ડમાં અભ્યાસ કરતો હતો. કિશોરને તેની સાથે જ અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે મિત્રતા હતી. જેથી તે બંને ફોન ઉપર અવાર નવાર વાતો કરતા હતા તેમજ બહાર પણ મળતા હતા. જો કે વિદ્યાર્થિનીના પિતાને આ વાતની જાણ થતા તેમણે ફોન કરીને પોતાની દીકરી સાથે વાત નહીં કરવા અને બોલવાનું બંધ કરી દેવા કિશોરને ધમકી આપી હતી.
 
 તેમ છતાં આ કિશોર અને વિદ્યાર્થિની વચ્ચેની મિત્રતા યથાવત રહી હતી. જેથી વિદ્યાર્થિનીના પિતા અવાર નવાર ફોન કરીને કિશોરને મારી નાખવાની તેમ જ કારકિર્દી ખતમ કરી નાંખવનાની ધમકી આપતા હતા અને જાતિ વિષયક અપશબ્દો પણ બોલતા હતા. વિદ્યાર્થિના પિતાની ધમકીઓથી ભયભીત બનીને કિશોરે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે આત્મહત્યા કરનાર કિશોરના પિતાએ ચાંદખેડા પોલીસ સમક્ષ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ(305) અને એટ્રોસીટી અંગે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે કિશોરનો ફોન કબજે કરીને તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર