કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતના કારણે વિભાનસભા સત્ર અચોક્કસ મુદત સુધી સ્થગિત

મંગળવાર, 24 માર્ચ 2020 (10:01 IST)
રાજ્યમાં પ્રવર્તતી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને  ધ્યાને લઇને ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સમર્થન આપીને વિધાનસભાના અધ્યક્ષએ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી અનિશ્વિત મુદ્દત સુધી સ્થગિત કરી છે.
 
આ અંગે વધુ વિગતો આપતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહ અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવા અંગેના રજૂ કરેલ પ્રસ્તાવમાં જણાવેલ છે કે, રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોના વાયરસના કેસોનું પ્રમાણ ગાંધીનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ઝડપથી વધી રહ્યું છે. ગઇકાલ સુધી રાજ્યમાં 18 કેસો હતા જે આજના દિવસે વધીને 30 જેટલા થયા છે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 14 માર્ચના રોજ વિપક્ષના નેતાશ્રીએ ગૃહમાં આ કોરોના અંગેની વાત કરીને ગૃહને મોકૂફ રાખવાની વાત કરી હતી, ત્યારે ગુજરાતમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ ન હતો. આજે 23મી માર્ચે ગાંધીનગર સહિત રાજ્યમાં લગભગ 30 કેસ પોઝિટિવ થયા છે, ત્યારે પ્રજામાં આ ચેપ અને વાયરસ ફેલાઇને આગળ વધી રહ્યો છે. કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખુબ જરૂરી છે. 
 
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંક્રાતિકાળમાં રાજ્યમાં આ વાયરસની ચેઇન આગળ ન વધે તે અતિ આવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ગૃહના સભ્યોની પોતાના મતવિસ્તાર પ્રત્યેની જવાબદારી પણ તેટલી જ મહત્વની છે. ગૃહની કાર્યવાહી મોકૂફ રહેતા ભાજપના ધારાસભ્યઓ પોત-પોતાના મત વિસ્તારમાં જશે અને આ વાયરસનો કઇ રીતે મુકાબલો કરી શકાય તે માટે જનજાગૃતિ ઊભી કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર