કેવડીયા ખાતેની મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજની મુલાકાત દરમિયાન અનેક અધિકારીઓની પોલ ખૂલી ગઇ હતી. તેની સાથે સાથે પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓનુ પણ તાત્કાલીક સમાધાન થઇ ગયુ હતુ. એક તબક્કે તો વિદેશી પ્રવાસીઓ દ્વારા કરાયેલી ફરીયાદની ગંભીરતા લઇને પરિસરમાં જ સિક્યુરીટી ઓફિસરને તતડાવી નાંખ્યા હતા.
કેવડીયાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. દરમિયાન પરિસરમાં મુકાયેલ કચરાપેટીને અન્ય જગ્યાએ મુકવા પણ તંત્રને સૂચના આપી હતી. વોલ ઓફ યુનિટી પર પહોંચતા ત્યાં ગાઈડની ગેરહાજરીની એમણે નોંધ લીધી હતી. તેની સાથે સાથે વોલ ઓફ યુનિટી પર બે એલસીડી અને કાયમ માટે એક ગાઈડને હાજર રાખવા પણ રૂપાણીએ સૂચનો કર્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવેલા દરેક પ્રવાસીઓને રૂપાણી વારાફરતી મળ્યા હતા. પ્રવાસીઓએ મુખ્યમંત્રીની સાથે ફોટા પણ પડાવ્યા હતા. આ તબક્કે એક બિનનિવાસી ભારતીય અને ન્યુઝીલેન્ડ સ્થાયી થયેલા પ્રવાસીઓ પાસે પહોંચ્યા ત્યારે પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે ‘સાહેબ તમે આવવાના હતા એ કારણે અમને સિક્યુરિટી વાળાઓ અંદર નથી જવા દેતા, અમે એક કલાકથી બહાર ઉભા ઉભા કંટાળી ગયા છે.’ આ સાંભળીને ચોંકી ઉઠેલા મુખ્યમંત્રીએ પરિસરમાં હાજર એક સિક્યુરિટી અધિકારીને રીતસરના તતડાવ્યો હતો. બાદમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસીઓને તેઓ જાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદર સુધી લઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એસ્કેલેટર દ્વારા ૧૫૩ મીટર સુધી જવા પ્રવાસીઓની લાંબી કતારો જામી હતી. મુખ્યમંત્રીએ ઉપર જવા ત્યાં આવ્યા હતા,પણ પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે ૧૫૩ મીટર ઉપર જવાનું રૂપાણીએ માંડી વાળ્યું હતું.મુખ્યમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા ત્યારે પ્રવાસીઓનો ધસારો અહીંયા વધુ હતો, એવામાં એક વૃધ્ધાનો એસ્કેલેટર પરથી પગ ડાખો પડતા એ પડી ગઈ હતી. તેને ઇજા પહોચી હતી. મુખ્યમંત્રી આવવાના હોવાથી ત્યાં પહેલેથી જ ૧૦૮ ઇમરજન્સી વાન હાજર હતી.
જેમાં એ મહિલાને સારવાર અર્થે લઈ જવાઈ હતી.મુખ્યમંત્રીએ વેલી ઓફ ફલાવરની પણ મુલાકાત લીધી હતી.દરમિયાન ત્યાં રહેલું હેલિપેડ કાયમ માટે કાઢી નાખવા તથા ત્યાં વિશ્વમાં ઉગતા ફૂલો ઉગાડવા માટે રૂપાણીએ સૂચન કર્યું હતું. તેની સાથે ફલાવર શો પણ વહેલી તકે ચાલુ કરવા સૂચન કર્યું હતું. વધુમાં ફલાવર ઓફ વેલી સુધી બસ લાવવા તથા અહીંયા તમામ ઝાડો ઉગે એવાને જ કોન્ટ્રાકટ આપવા અધિકારીઓને તાકીદ કરી હતી.