ગુજરાતના રાજકારણમાં ગરમાવો,સચિવાલયમાં ઉત્તેજના, ભાજપમાં ફફડાટ, વ્હિપ જારી કરાયો

બુધવાર, 19 સપ્ટેમ્બર 2018 (12:34 IST)
ખેડૂતોના દેવામાફી,મગફળી કૌભાંડના મુદ્દે વિધાનસભાના નિયમ મુજબ ભાજપ સરકારના મંત્રીમંડળ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવા દરખાસ્ત કરી હતી જેની આજે વિધાનસભામાં ચર્ચા થવાની શક્યતા છે.  આ જોતા ભાજપે વ્હિપ જારી કરવો પડયો છે. નવાઇની વાત એછેકે,મુખ્યમંત્રીની સહીથી ભાજપના ધારાસભ્યોને વ્હિપ જારી કરાયો છે. અવિશ્વાસની દરખાસ્તને પગલે ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસે વિધાનસભાના નિયમોના નિયમ ૧૦૬ મુજબ દરખાસ્ત રજૂ કરી મત્રીમંડળ વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા દરખાસ્ત કરાઇ હતી. ચોમાસુ સત્રનો બીજો દિવસ હંગામેદાર સાબિત થવાનો છે તે વાત નક્કી છે કેમકે, ખેડૂતોના દેવામાફી અને મગફળી કૌભાંડના મુદ્દે ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસે રણનીતિ ઘડી કાઢી છે. આજે ગુજરાત વિધાનસભામાં બીજી બેઠકમાં બપોરે ત્રણ વાગ્યા બાદ પ્રશ્નોતરી બાદ અવિશ્વાસના પ્રસ્તાવને રજૂ કરવાના મુદ્દે કોંગ્રેસે પરવાનગી માંગી તે મુદ્દે કાર્યવાહી થશે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવાની માંગ કરી છે.
અવિશ્વાસના દરખાસ્તના પગલે ભાજપમાં દોડધામ મચી છે. ચોમાસા સત્રના પ્રથમ દિવસે કેટલાંય ધારાસભ્યો વિધાનસભામાં ડોકાયાં ન હતાં. આ ઉપરાંત વિધાનસભા સત્રના એક દિવસ અગાઉ મળેલી બેઠકમાં ય ભાજપના સાત ધારાસભ્યો ગેરહાજર રહ્યાં હતાં.આ જોતાં ભાજપમાં તો ફફડાટ પેઠો છે કે,કયાંક હજુરિયા ખજુરિયા જેવી દશા ન થાય.તેની તકેદારીના ભાગરુપે ભાજપે તાકીદે વ્હિપ જારી કર્યો છે. એટલુ જ નહીં,તમામ ધારાસભ્યોને મંગળવારની રાતે જ પાટનગર ગાંધીનગરમાં હાજર થવા આદેશ છૂટયો છે.
સામાન્ય રીતે પક્ષના દંડક જ વ્હિપ જારી કરતા હોય છે પણ પ્રથમવાર એવુ બન્યુ છેકે, મુખ્યમંત્રીની સહીથી ધારાસભ્યોને ફરજિયાત ગૃહમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ પરિસ્થિતીને પગલે પાટનગર ગાંધીનગરના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવ્યો છે. આમ,સત્રના આખરી દિને અવિશ્વાસની દરખાસ્ત પર શું થશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. કઇં અજુગતુ તો નહી થાય તે મુદ્દે ય ચર્ચાઓ થવા માંડી છે.
પક્ષની બેઠકમાં ભાજપના ધારાસભ્યોની ગેરહાજરીના મુદ્દે કઇં નવાજૂની થવાના એંધાણનો ડર પેઠો છે જેના કારણે મુખ્ય દંડક જ નહીં,ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ સહી કરીને વ્હિપમાં એવો ઉલ્લેખ કરવો પડયો છેકે,બીજુ સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી ધારાસભ્યોએ ફરજિયાત હાજરી આપવી.એટલુ જ નહીં,ત્રણ લીટીના વ્હિપમાં એવી ચિમકી ઉચ્ચારાઇ કે, જો તમે ગેરહાજર રહેશો,મતદાનથી વંચિત રહેશો, અથવા પક્ષનો અનાદર કરશો તો,ભારતના બંધારણની દશમી અનુસુચિ મુજબ તમે ગેરલાયક ઠરશો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર