નર્મદાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કરતો શિક્ષક ઝડપાયો

મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (12:07 IST)
નર્મદામાં ગુરુ શિષ્યની સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ગરુડેશ્વર ખાતે આવેલી સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શાળાના જ આચાર્ય દ્વારા શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના જ આચાર્ય હર્ષદ પટેલ(36) કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા વિદ્યાર્થીની દ્વારા મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરી ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી છે.

ઘટના સામે આવતા અન્ય ચાર વિદ્યાર્થીનીઓએ પણ આરોપ લગાવ્યા કે શિક્ષક તેમને ઘરે બોલવાતો અને શારીરિક અડપલા કરતો હતો. આ ઘટના સામે આવતા નર્મદા જિલ્લા તંત્ર અને બાળ સુરક્ષા સમિતિ આમને સામને આવી ગયા છે. આ લંપટ શિક્ષક ઉપર પોસ્કો એક્ટ સાથે આદિવાસી બાળાઓ સાથે અડપલા કરવાને કારણે એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરાયો છે. આ શિક્ષકની ઘરપકડ કર્યા બાદ તેના 5 દિવસના રિમાન્ડ પણ મંજુર થયા છે. આ કિસ્સામાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. બાળ સુરક્ષા અધિકારી અને બાલસુરક્ષા સમિતિએ આ ઘટના સ્થળ એવા ગરુડેશ્વર ખાતે કાર્યરત સ્વામી દયાનંદ આશ્રમ શાળાની મુલાકાત લેતા વિદ્યાર્થીઓને પડતી કેટલીક અસુવિધા સામે આવી હતી આ આશ્રમ શાળામાં બાળકોને પૂરતું ભોજન ના આપવા ઉપરાંત બાળકો માટે બાથરૂમ કે શૌચાલયની વ્યવસ્થા પણ ન હોવાનું ખુલ્યું છે. બાલ સુરક્ષા કમિટીએ આ બાળકોનું કાઉન્સેલિંગ કરતા એ હકીકત પણ બહાર આવી છે કે આ આચાર્ય છેલ્લા 3 વર્ષ થી આવું દુષકૃત્ય કરતો હતો, જ્યારે પરંતુ સંચાલકોએ તેની પાસે માત્ર માફી પાત્ર લખાવી જવા દેતા હતા. આ બાલસુરક્ષા કમિટીએ અધિકારી સાથે રહી જાત તપાસ કરી તમામ માહિતીની ઉચ્ચ કક્ષ્રાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર