અમદાવાદ શહેરમાં 1.17 લાખ સત્તાવાર ગેરકાયદે બાંધકામ

શનિવાર, 7 જુલાઈ 2018 (12:06 IST)
: રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની યોજના પૂર્ણ થઇ ગઇ છે. મ્યુનિસિપલ તંત્ર સમક્ષ આવેલી કુલ ર.૪૩ લાખથી વધુ અરજી પૈકી ટી.પી. રસ્તા અને સરકારી જમીન કે હેતુફેર કરી કરેલા બાંધકામ જેવાં કારણસર સત્તાવાળાઓ દ્વારા કુલ ૧.૧૭ લાખની વધુ અરજીને રદ કરાઇ છે.

પરંતુ જે સમયે ઇમ્પેકટ ફી યોજના જાહેર કરાઇ હતી તે સમયે ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજ મુજબ શહેરમાં પાંચ લાખથી વધુ ગેરકાયદે બાંધકામો હતાં. તેમ છતાં તંત્ર સમક્ષ પ૦ ટકા જેટલી અરજી જ આવી હતી. જોકે આવેલી અરજી પૈકી રદ બાતલ કરેલી અરજી એવી છે કે જેનાં ગેરકાયદે બાંધકામ કાયદેસર થઇ શકે તેમ નથી ત્યારે આવાં બાંધકામો સામે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પગલાં લેશે કે કેમ? તે એક મોટો પ્રશ્ન છે.

શહેરની સૌથી મોટી સમસ્યા ગેરકાયદે બાંધકામની છે. મ્યુુનસિપલ કોર્પોરેશનના સ્થાનિક ભ્રષ્ટ અધિકારી, પ્રજાના ચૂંટાયેેલા પ્રતિનિધિ અને બિલ્ડર માફિયાની મિલીભગતથી શહેરભરમાં ગેરકાયદે બાંધકામના રાફડા ફાટી નીકળ્યા છે. જેના કારણે કોટ વિસ્તારમાં તો ઐતિહાસિક ગણાતા હેરિટેજ ફી મકાનોનું રહ્યું સહ્યું ‌અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

રાજ્ય સરકાર દ્વારા ગત તા.ર૮ માર્ચ ર૦૧૧ની કટ ઓફ ડેટના આધારે તેની પહેલાં થયેલા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટે ગત ફેબ્રુઆરી ર૦૧રમાં ખાસ ઇમ્પેકટ ફી યોજના જાહેર કરાઇ હતી. આ ઇમ્પેકટ ફી યોજના પ્રારંભે અનેક પ્રકારના ગૂંચવાડા ભરી હોવાથી જાહેર થતાંની સાથે જ વિવાદોમાં સપડાઇ હતી. એટલે રાજય સરકારને તેના નિયમમાં વિશેષ પ્રકારની છૂટછાટ આપવાની ફરજ પડી હતી.

ઇમ્પેકટ ફી યોજના હેઠળ મ્યુનિ‌સિપલ કોર્પો. સમક્ષ આવેલી કુલ ર.૪૩ લાખથી વધુ અરજીના નિકાલ માટે રાજ્ય સરકારની જાહેરાત મુજબ ત્રણ ત્રણ વખત મુદતમાં વધારો કરાયો હતો. તંત્ર દ્વારા ખાસ ગ્રૂડા સેલનું ગઠન કરાયું હતું તેમ છતાં ગત તા.૩૧ માર્ચ ર૦૧૮ની અંતિમ તારીખની સ્થિતિએ માંડ ૧.ર૬ લાખ જેટલા બાંધકામને ઇમ્પેકટ ફી યોજના હેઠળ કાયદેસર કરાયાં હતાં.

જાણકાર સૂત્રો કહે છે, ઇમ્પેકટ ફી યોજના હેઠળ તંત્ર દ્વારા ૧.૧૭ લાખથી વધુ અરજીને રદબાતલ કરાતાં આ તમામ બાંધકામ હવે ગેરકાયદે પુરવાર થયા છે. જેના કારણે આવાં ગેરકાયદે બાંધકામને હટાવવા ખાસ જરૂરી બન્યાં છે. તેમાં પણ રદબાતલ થયેલાં ગેરકાયદે બાંધકામ, ટી.પી. રસ્તા અને સરકારી જમીન પરના હોવાથી તેને ખસેડવાની કામગીરી તાત્કાલીક ધોરણે કરવી જરૂરી બની છે.

અગાઉ પણ મ્યુનિસિપલ તંત્રમાં આ ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટેનો મામલો ચર્ચાયો હતો. જેમાં એસઆરપીની મદદ લઇને પણ ઓપરેશન ડિમોલિશન હાથ ધરવાની કવાયત એક સમયે સત્તાધીશોએ હાથ ધરી હતી. જેમાં નિષ્ફળતા મળતાં મિલિટરીના એકસ સર્વિસમેનની મદદ લઇને ઓપરેશન ડિમોલિશન હાથ ધરવાનું આયોજન કરાયું હતું. જોકે આ મામલે પણ સત્તાવાળાઓને સફળતા મળી નથી.

હવે જ્યારે ચોમાસા આડે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ રદ કરાયેલી અરજીનાં ગેરકાયદે બાંધકામ સામે હથોડા વિંઝાય તેવી શક્યતા રહેતી નથી. પરંતુ શહેરના નવા શાસકો સમક્ષ અન્ય સમસ્યાની જેમ ગેરકાયદે બાંધકામ પણ એક વિકટ સમસ્યા હોવાનું જાણકાર સૂત્રો કહે છે.

દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછતાં તેઓ કહે છે ચોમાસું નજીક હોઇ આ સમયગાળામાં આવા બાંધકામ નિયમ મુજબ તોડી શકાય તેમ નથી, પરંતુ ચોમાસું પૂર્ણ થયા બાદ ઇમ્પેકટ ફી યોજના હેઠળ રદ કરાયેલી અરજીનાં ગેરકાયદે બાંધકામને હટાવવા બાબતે મેયર સહિતના ટોચના હોદ્દેદારો સાથે બેઠક યોજીને આયોજન હાથ ધરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર