ડાયનાસોરના સમયની વિશ્વની સૌથી નાની વનસ્પતિ ગુજરાતમાં મળી આવી

શનિવાર, 14 એપ્રિલ 2018 (14:50 IST)
ભરપુર પ્રાકૃતિક વારસો અને વૈવિધ્ય ધરાવતા ગુજરાતમાંથી ડાયનાસોરના સમયની વિશ્વની સૌથી નાની વનસ્પતિ મળી આવી છે. ફક્ત 1.2 સેમીની માત્ર બે પાંદડા જ ધરાવતી આ વનસ્પતિ ડાંગ, તાપી અને નર્મદામાં થાય છે.

સુરત જિલ્લાના ઓલપાડના ઇશનપોર ગામના મિતેષ પટેલને ડાંગના ઝાંખાના ગામમાંથી એક અજોડ વનસ્પતિ હાથ લાગી છે. તેની ઊંચાઇ માત્ર 1થી 1.2 સેમી છે. દુનિયામાં આ વનસ્પતિની 45 પ્રજાતિ છે આ 46મી તેમણે શોધી છે જે ઊંચાઇને દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી નાની હોવાનો દાવો કરાયો છે. ભારતમા આ પ્રકારની 14 પ્રજાતિ હતી હવે 15 થઇ ગઇ છે.

મિતેષ પટેલના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ડાયનોસોરના અસ્તિત્વ સમયની છે. અર્થાત ત્યારથી આ વનસ્પતિનું પણ અસ્તિતત્વ છે. તેમણે આ વનસ્પતિને ઓફયોગ્લોસમ માલ્વે એવુ નામ આપ્યુ છે. જેમાં માત્ર બે જ પાંદડા હોય છે. બેથી વધુ ક્યારેય થતા નથી. પ્રોફેસર મંદાદી નરસિમ્હા રેડ્ડીનાં માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી આ સંશોધનકાર્ય ચાલી રહ્યુ હતું.

આ વનસ્પતિ એન્ટી માઇક્રોબ્યુલ અને એન્ટી ઓક્સિડન્ટ ક્ષમતા ધરાવે છે. સુક્ષ્મ જીવાણુઓનો ખાત્મો બોલાવતી આ સુક્ષ્મ વનસ્પતિ ખાસ કરીને સામાન્ય તાવમાં ઉપયોગી છે. વનવાસીઓ આનો ઔષધ તરીકે ઉપયોગ કરતા અને કરે છે. તેના પાન ખાવાથી તાવ જેવા સામાન્ય રોગમાં રાહત થાય છે. એન્ટી કેન્સર તરીકે પણ આનો ઉપયોગ થઇ શકે એના પર સંશોધન ચાલી રહ્યુ છે.
ડીપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં અભ્યાસ કરી રહેલા મિતેશ પટેલનાં આ સંશોધન પત્રને જાણીતા નેચર સાઇન્ટિફીક રીપોર્ટસમાં તા.12મી એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ નેચર સાયન્ટીફિક રીપોર્ટસે પણ નોંધ્યુ છે કે આ વનસ્પિત વિશ્વની સૌથી સ્મોલ વનસ્પતિ છે. સંશોધનકર્તાના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં જોવા મળે છે. જો કે આવા તો કેટલાય સંશોધનો થતા રહે છે. ૫રંતુ તેનો વ્યવહારૂ ઉ૫યોગ થાય અને લોકોને તેનો ફાયદો મળે તેવી વ્યવસ્થા હવે સરકાર દ્વારા ગોઠવાય તે જરૂરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર