ગુજરાતના હાસ્યાસ્પદ બનેલા દારુબંઘીના કાયદા સામે રાજ્યસરકારે ફરીએક વાર કટીબદ્ધતાનો દાવો કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં નશાબંધી અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિ સંપૂર્ણપણે નાબૂદ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્ય સરકારે નશાબંધી ધારાની જોગવાઇઓમાં કડક સુધારાઓ પણ કર્યા છે. જેના પરિણામે સામાજિક તંદુરસ્તી સુદ્રઢ બની છે. પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભ ઉપર કાર્ય કરતી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ તથા સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીના પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-2016ની સામે વર્ષ-2017માં 48 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે.