ગુજરાતમાં દારૃ મળતો નથી તેવા સરકારના દાવાની પોલ ઉઘાડી પડી, દારૂ અંગેની ૬૦૧૨ ફરિયાદો મળી

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:11 IST)
મહાત્મા ગાંધીના ગુજરાતમાં આજે દારૃબંધી માત્ર કાગળ પર જ રહી છે. એક તરફ,ભાજપ સરકાર દાવા કરી રહી છેકે, દારૃબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે,બીજી તરફ,શહેરોમાં છડેચોક બુટલેગરો દારૃ વેચે છે. ખુદ ગૃહવિભાગે એ વાતનો એકરાર કર્યો છેકે, આખાય ગુજરાતભરમાંથી લોકોએ દારૃના અડ્ડા અને બુટલેગરો વિરૃધ્ધ કુલ મળીને ૬૦૧૨ ફરિયાદો કરી છે. પોલીસ અને બુટલેગરોની ભાઇબંધીને લીધે ગુજરાતમાં આજે માંગો તે સ્થળે આસાનીથી દારૃ મળતો થયો છે.

ગુજરાતમાં માત્ર કહેવા પુરતી જ દારૃબંધી રહી છે.શહેરોથી માંડીને ગામડાઓમાં બિન્દાસપણે દારૃ વેચાય છે. હપ્તાખોરીને પગલે ભાજપના રાજમાં બુટલેગરોને જાણે છુટો દોર મળ્યો છે. વિધાનસભામાં ગૃહવિભાગે રજૂ કરેલાં આંકડા ચોંકાવનારા છે કેમ કે,અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં દારૃના અડડા અને બુટલેગરોના આતંક વિરૃધ્ધ પોલીસને સૌથી વધુ ૨૨૩૯ ફરિયાદો મળી છે. બનાસકાંઠા, સુરત શહેર, નવસારીમાં ય લોકોએ પોલીસને દારૃના અડ્ડા છડેચોક ધમધમી રહ્યાં છે તેવી ફરિયાદો કરી હતી.એક પણ જિલ્લો બાકાત નથી જયાં લોકોએ દારુના અડ્ડા અને બુટલેગરો વિરૃધ્ધ ફરિયાદ કરી ન હોય. પોલીસ માત્ર દરોડાનુ નાટક કરીને પોતાની કામગીરીનો દેખાડો કરી દે છે.વાસ્તવમાં પોલીસ જ બુટલેગરોને પાછલા બારણે પ્રોત્સાહન આપી મસમોટા હપ્તા ખાય છે પરિણામે ગુજરાતમાં દારૃનો કરોડોનો વેપલો ધમધમી રહ્યો છે. યુવા પેઢી દારૃના બંધાણી બની રહ્યાં છે. બુટલેગરોનુ નેટવર્ક પણ એટલુ મજબૂત બન્યુ છેકે, હવે તો ઓર્ડર આપો,ને ઘેર બેઠાં દારૃ મળી જાય છે. આમ છતાંયે ભાજપ સરકાર ગુજરાતમાં દારૃ મળતો નથી તેવા બણગાં ફુંકી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર