ભાજપના નેતાઓ પોતાના બેકાર પુત્રો માટે પકોડાની લારી કેમ શરૂ નથી કરતાં - હાર્દિકની ટ્વિટ
મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (16:40 IST)
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરીને પકોડા પોલિટિક્સ પર વડાપ્રધાન મોદી, અમિત શાહની ટીકા કરી છે સાથે જ સરહદ પર દરરોજ શહીદ થઇ રહેલા જવાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. હાર્દિક પટેલે ભાજપ, મોદી અને અમિત શાહની પકોડા પોલિટિક્સની ટીકા કરતા કહ્યું છે કે મુખ્ય આર્થિક સલાહકાર પાસે બેકારીના આંકડા નથી. નાણા મંત્રી પાસે જીડીપીના આંકડા નથી.
આરબીઆઇના ગવર્નર પાસે નોટબંધી બાદ જમા થયેલ નોટોનો આંકડા નથી. દેશની ન તો સરહદો સુરક્ષિત છે ન તો આપણા સૈનિક. સરહદ પર લગભગ દરરોજ આપણા સૈનિક શહીદ થઇ રહ્યાં છે અને ચોક્દારે મૌનવ્રત ધારણ કરી લીધુ છે. આપણા નેતાઓની જેમ જ સેનાધ્યક્ષ પણ માત્ર ચેતવણીરૂપી બયાન આપી પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતા નજર અવી રહ્યાં છે. આજ જનતાને શંકા થઇ રહી છે કે આ સરકાર છે કે પછી ચા અને પકોડાવાળાની લારી? ભાજપ પકોડા જેવા તથ્યહીન નકામા મુદ્દાઓની આડમાં જજ લોયાના શંકાસ્પદ મોત જેવા ગંભીર મુદ્દાઓ સાથે જોડાયેલા તથ્ય ગુમ કરી રહી છે અને જે લોકો આ હત્યાઓ સાથે જોડાયેલા છે તે સંસદમાં ઉભા થઇને પકોડા અને ચા પર સ્વાભિમાનનું નાટક કરી રહ્યાં છે. જો પકોડા વેચવા રોજગારી છે તો પછી ભાજપના નેતા પોતાના બેકાર પુત્ર માટે પકોડાની લારી કેમ શરુ નથી કરતા.