હવે પોલિટિકલ ડીબેટમાં ભાજપના નેતાઓની ગેરહાજરી સ્થિતિ કફોડી હોવાનો પુરાવો
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:03 IST)
ગુજરાતમાં ચુંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે પબ્લિક ડીબેટ પણ વધુ પ્રમાણમાં યોજાવવા લાગી છે. આ ડીબેટમાં જનતા અને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે ચર્ચાઓ સને આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં આવતાં હોય છે. ભાજપનાં નેતાઓ પહેલાં તો હોંશે હોંશે દર ચુંટણીમાં આ પ્રકારની ડીબેટમાં જતાં પણ હવે જતાં ખચકાઈ રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં ત્રણ યુવાનો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણીનો ઉદય થયો અને તેમણે ગુજરાતના આ ખોખલા વિકાસના દાવાઓની પોલપટ્ટી ખોલીને જનતા સમક્ષ મૂકી દીધી છે. આમ ભાજપના વિકાસનાં દાવાઓ કોઈ નક્કર કે પ્રમાણભૂત આધાર પર નહિ પરંતુ અતિશયોક્તિ મુજબ હોવાનું જનતા સમજી ગઈ છે. ગુજરાતની જનતા હવે ભાજપના નેતાઓને સવાલ કરતી થઇ છે જેથી કરીને ભાજપના નેતાઓ હવે ડીબેટમાં આવવાનું ઓછું કરી નાખ્યું છે. એક મીડિયા ગ્રુપ દ્વારા યોજવામાં આવેલ ડીબેટમાં કોંગ્રેસના નેતાઓ આવ્યાં હતાં જયારે ભાજપમાંથી એકપણ નેતા ડીબેટમાં ડોકાયાં નહોતાં. આમ ચુંટણી પહેલાં જ ભાજપનાં નેતાઓએ પોતાંની હાર સ્વિકારી લીધી હોય તેવો માહોલ આજકાલ સમગ્ર ગુજરાતમાં સર્જાઈ રહ્યો છે.