પદમાવત ગુજરાતમાં રિલિઝ ના થાય તેવું સરકાર ઈચ્છી રહી છે.

બુધવાર, 24 જાન્યુઆરી 2018 (12:16 IST)
સમગ્ર દેશમાં વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવત' ગુજરાતનાં થિયેટરોમાં રીલિઝ જ ન થાય તેવું સરકાર ઈચ્છી રહી છે. જેના માટે ફિલ્મનાં ડાયરેકટર પર પણ સરકાર દ્વારા તમામ પ્રકારનાં દબાણો અને સમજાવટો થઇ રહી છે. જેને લઇને હવે ૨૫મી ફેબુ્રઆરીએ ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ થશે કે કેમ તેના પર સૌકોઇની નજર મંડાયેલી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત સરકારે 'પદ્માવત' ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ફિલ્મ જોયા વગર જ એવી જાહેરાત કરી હતી કે, રાજપૂત સમાજની લાગણી દુભાતી હોવાથી આ ફિલ્મની રીલિઝ થવાની મંજૂરી અપાશે નહીં. ત્યારબાદ નામ બદલીને 'પદ્માવત' કરાયું હતું. એટલું જ નહીં સેન્સર બોર્ડે તેને મંજૂરી આપતા પહેલા કેટલાક ઈતિહાસકારોને પણ આ ફિલ્મ બતાવી હતી. સર્વોચ્ચ અદાલતે પણ ફિલ્મનાં રીલિઝ પર સ્ટે આપાવનો ઈનકાર કરી દીધો છે. આમ છતાં ગુજરાત સરકારે ફિલ્મ પર બીજી વખત પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમનાં આદેશ બાદ પણ ગુજરાત સરકાર આ આદેશમાં એટલે કે કામચલાઉ સ્ટે ઓર્ડરમાં કેટલાક સુધારાવધારા થાય તે માટે કાયદા નિષ્ણાતોની સલાહ લઇ રહ્યા છે. ફિલ્મને રીલિઝ આડે હવે માંડ બે દિવસ બચ્યા છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક શહેરોમાં તોડફોડ અને હિંસાખોરી શરૃ થઇ છે. સ્થિતિ વધુ કફોડી બને તો સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે. આગામી બજેટ સત્રમાં વિરોધ પક્ષ પણ આ મુદ્દે ગૃહમાં સરકારને મુશ્કેલીમાં લઈ ભીંસમાં મુકી શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે સરકાર ઇચ્છી રહી છે કે આ ફિલ્મ ગુજરાતમાં રીલિઝ ન થાય તો સારું. તેના માટે સરકારે ફિલ્મનાં ડાયરેકટર ઉપર વિવિધ પ્રકારનું દબાણ કર્યું છે. ડાયરેકટર આ દબાણને વશ થઇને પોતે જાતે જ ગુજરાતમાં આ ફિલ્મ રિલિઝ નહીં કરવાની જાહેરાત કરી દે તો કોઇને નવાઇ લાગશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર