લફરાબાજ પ્રોફેસર પતિ સામે પત્નીએ મોરચો ખોલ્યો, ધરણાં પર બેઠી

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (15:14 IST)
અમીન માર્ગ પરના સિલ્વર પાર્કમાં રહેતા અને ક્રાઈસ્ટ કોલેજમાં પ્રોફેસર ઉપરાંત ધાર્મિક સંપ્રદાયના પ્રચારક રક્ષિત રૈયાણી અને તેના પરિવાર સામે તેની પત્ની પૂનમબેન અને ધાર્મિક સંપ્રદાયના સત્સંગની મહિલાઓ ધરણા પર બેસી જતા ચર્ચા જાગી હતી. પૂનમબેને પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેના પતિ રક્ષિતના તેની સાથે બીજા લગ્ન છે. તેના પતિએ પહેલી પત્ની સાથે ૨૦૧૦માં છૂટાછેડા લઈ લીધા હતા.

જેના થકી તેને ૧૨ વર્ષનો પુત્ર છે. આ છૂટાછેડાની પ્રક્રિયા ચાલતી હતી તે વખતે જ તેના પતિએ એક યુવતી સાથે લીવ ઈન રિલેશનશીપથી રહેવાનું શરૃ કર્યું હતું. ત્યારબાદ તે યુવતી સાથે સગાઈ પણ કરી લીધી હતી. બાદમાં ગમે તે બન્યું યુવતીના પરિવારજનોએ સગાઈ તોડી નાખી હતી. આ પછી સાતેક વર્ષ પહેલા તેની સાથે આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. તેણે આક્ષેપ કર્યો કે, લગ્નનાં બીજા દિવસે જ પતિએ તેને કમરપટ્ટાથી મારકૂટ શરૃ કરી હતી. આ પછી પણ જ્યારે બહાર ફરવા લઈ જતો ત્યારે હાથ ઉપાડી લેતો હતો. સસરા સામે પણ ચોંકાવનારા આક્ષેપ કરતાં તેણે કહ્યું કે તેના સાસુ હીનાબેન અને નણંદ કિંજલ વિમલ વેકરીયા પણ હંમેશા તેના પતિ અને સસરાનો સાથ આપતા હતા. ચારેયએ ભેગા મળી તેને ત્રણેક વર્ષ પહેલા નવેળામાં પૂરી મારકૂટ પણ કરી હતી. તેણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે તેના પતિને બીજી યુવતીઓ સાથે પણ અફેયર હતું. તે અવારનવાર આ યુવતીઓને ઘરે લઈ આવતો હતો. તે વિરોધ કરે તો તેને મારકૂટ કરતો હતો. પખવાડિયા પહેલા તેના પતિને એક યુવતીને સર્વિસ કોન્ટ્રાક્ટથી ઘરે લઈ આવવી હોવાથી તેના ભાગરૃપે તેને પિયર મોકલી દીધી હતી. થોડા દિવસો પછી છૂટાછેડાની નોટીસ આપી હતી. તે ઘરે જતા તેને ધક્કા મારીને સાસરીયાઓએ કાઢી મુકી હતી. જે અંગે તેણે મહિલા પોલીસમાં પણ અરજી કરી હતી. તેનો પતિ હાલમાં જે યુવતીને લઈને ઘરે આવ્યો છે તે તેના સત્સંગમાં આવતી હતી. પરિણામે ધાર્મિક સંપ્રદાયની મહિલાઓ પણ તેની ન્યાયની લડાઈમાં જોડાઈ છે. આજે પૂનમબેન બીજી મહિલાઓ સાથે સાસરીયાઓના ઘરે સિલ્વર પાર્કમાં ધસી ગયા હતા. તેના કહેવા મુજબ આજે પણ સાસરીયાઓએ તેને ઘરમાં આવવા દીધી ન હતી, અને બીજા દરવાજેથી ઘર છોડી જતા રહ્યા હતા. પરિણામે તે અન્ય મહિલાઓ સાથે સાસરીયાઓના ઘરની બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગઈ છે. તેણે આ અંગે પોલીસ કમિશનરને આજે અરજી આપી હતી. તેણે તે સત્સંગી યુવતીને પતિની ચુંગાલમાંથી છોડાવવા અને ન્યાય અપાવવા માંગણી કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર