રાજ્યસભા ચુંટણી : કોંગ્રેસ આંચકી શકે છે ભાજપની બે બેઠકો

સોમવાર, 22 જાન્યુઆરી 2018 (16:13 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂરી થયા બાદ હવે ગુજરાતમાં રાજ્યસભાની ચુંટણીઓ યોજાઈ શકે છે. આ વખતે રાજ્યસભાની ચુંટણીમાં કુલ ચાર બેઠકો ખાલી પડવાની છે. આ ચાર બેઠકોમાં પરશોતમ રૂપાલા, શંકર વેગડ, મનસુખ માંડવીયા અને અરુણ જેટલીની બેઠકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં વર્ષ ૨૦૧૨ કરતાં ભાજપને ઓછી બેઠકો મળી છે જેને કારણે ભાજપને રાજ્યસભાની બેઠકો ગુમાવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ ચાર બેઠકોમાં ગતચુંટણીમાં ભાજપને ફાળે ૪બેઠક આવી હતી. ગુજરાતનાં ચાર રાજ્યસભાનાં સાંસદોનો કાર્યકાળ આ એપ્રિલ મહિનામાં પૂરો થાય છે જેને માટે ચુંટણી યોજવામાં આવશે. ગત વખતે આ ચારે બેઠકો ભાજપ પાસે હતી જો કે આ વખતે વિધાનસભાની ચુંટણીમાં ફક્ત ૯૯ બેઠકો સાથે ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટતાં ભાજપે બે બેઠકો ગુમાવવી પડે તેવીં શક્યતાઓ છે એટલે કે કોંગ્રેસ આ બેઠકો આંચકી શકે છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પાસે ૯૯ બેઠકો કોંગ્રેસ પાસે ૭૭, ભારતીય ટ્રાઇબલ પાર્ટી પાસે ૨, NCP પાસે ૧ તેમજ ત્રણ અપક્ષ બેઠકો છે. આવનારી રાજ્યસભાની ચુંટણીમાં ચાર બેઠકો માટે જંગ થાય તો ભાજપને ચારમાંથી બે બેઠકો ગુમાવશે. કુલ ચાર બેઠકો માટે દરેક ઉમેદવારને જીતવા માટે ૪૫ - ૪૫ મત મેળવવા જરૂરી બને છે તેની સામે ભાજપને ૯૯ બેઠક, એક અપક્ષનો ટેકો તેમજ NCP ની એક બેઠક થઈને કુલ ૧૦૧ બેઠકો થાય છે જયારે કોંગ્રેસની ૭૭, BTP ૨ તેમજ ૨ અપક્ષ મળીને ૨૮ બેઠકો થાય છે. આમ જો ૪૫ - ૪૫ મત નાંખવાના આવે તો ભાજપ આસાનીથી બે બેઠક જીતી શકે છે પણ ત્રીજી બેઠક જીતવી અઘરી સાબિત થઇ શકે છે. બે બેઠકોમાં વોટ નાંખ્યા બાદ ભાજપ પાસે ફક્ત ૧૧ ધારાસભ્યો વધે છે. જયારે બીજી બાજુ કોંગ્રેસનો એક સભ્ય પણ આસાનીથી ચૂંટાઈ શકે છે પણ અન્ય એક બેઠક મેળવવી અઘરી પડી શકે છે. આમ ભાજપ બે અને કોંગ્રેસ એક બેઠક આસાનીથી જીતી શકશે પરંતુ ચોથી બેઠક જીતવા માટે આંખે પાણી આવો જાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. બીજી બાજુ એક એવી શક્યતાં પણ રહેલી છે કે બંને પક્ષો સંપીને બે - બે બેઠક બિનહરીફ કરી શકે છે. જો બે બેઠકો બિનહરીફ થઇ તો તે ભાજપની કારમી હાર તેમજ કોંગ્રેસની જીત ગણવામાં આવશે. જો કે ઓગસ્ટ - ૨૦૧૮ માં યોજાયેલ રાજ્યસભાની ચુંટણીમાં ભાજપે લોકશાહીના મુલ્યોનાં લીરેલીરા ઉડાડીને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ્યા હતા જેને કારણે તેઓને બેંગ્લોર જવું પડ્યું હતું. આ વખતે પણ ભાજપ રાજ્યસભાની ચુંટણી જીતવા માટે ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસના આંતરિક સુત્રોનાં જણાવ્યાં મુજબ જે ભાજપમાં જવાના હતાં તે જતા રહ્યાં છે આ વખતે પક્ષ પલટો થવાની શક્યતાં નથી. આમ આવનારી રાજ્યસભાની ચુંટણી ગતસમયની માફક આ વખતે પણ રોમાંચક બને તેવી શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર