EVM હટાવવા માટે દાંડીથી ગાંધીનગર સુધી યોજાશે લોકતંત્ર બચાવો યાત્રા
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:44 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં EVM પર ગંભીર આક્ષેપો થયાં બાદ ગુજરાતનાં જાગૃત યુવાનો દ્વારા દાંડીથી ગાંધીનગર સુધીની એક યાત્રાની જાહેરાત કરી છે. દેશના લોકતંત્રને બચાવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજકોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુંટણી સમયે ઘણાં સ્થળોએ વોટીંગ મશીન ખોટકાયા હતાં ઉપરાંત બ્લુટુથ સાથે કનેક્ટ થવાની ઘણાં સ્થળોએ ઘટના સામે આવી હતી. આયોજકોની માંગ મુજબ અમેરિકા ,જર્મની ,જાપાન ,આયર્લેન્ડ, કેલિફોર્નિયા સહિત મોટાભાગના દેશોમાં EVM હટાવવામાં આવ્યા છે અને બેલેટ પેપર થી ચૂંટણી થાય છે. તો ભારતમાં પણ ચૂંટણી પંચે લોકશાહીનાં મૂલ્યો સચવાય અને જનતાને ન્યાયિક પરિણામો મળે,
શંકા-કુશંકાઓ થી પર પરિણામો મળે તે માટે બેલેટ પેપરથી ચૂંટણી કરવી જોઈએ. પાસ તેમજ તેમજ અન્ય સંગઠનોનાં હોદ્દેદારોની યોજાયેલી મીટીંગમાં જણાવવામાં આવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતમાંથી બહાર આવીને અંગ્રેજોની સામે લોકશાહી અને આઝાદી મેળવવાની લડત લડી હતી અને સમગ્ર દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવી નેતૃત્વ આપ્યું હતું. અમે જેમ મહાત્મા ગાંધીએ મીઠા ઉપર અંગ્રેજોએ નાખેલા કરની સામે સત્યાગ્રહ કરી ,દાંડીકૂચ યોજી હતી એવી જ રીતે આ લોકશાહી ઉપર થોપી દીધેલી ચૂંટણી વ્યવસ્થા ના ભાગરૂપે EVM મશીનો હટાવી બેલેટ પેપરથી ચૂંટણીની લડતના ભાગરૂપે રિવર્સ દાંડીયાત્રાનું આયોજન કરીને દાંડીથી ગાંધીનગર જઈશું તેમજ કોઈ નક્કર પરિણામ નહિ મળે તો દિલ્હી ખાતે પણ કાર્યક્રમ આપવામાં આવશે.