ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા લોકમાંગ

શનિવાર, 6 જાન્યુઆરી 2018 (12:29 IST)
ગુજરાતમાં  શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી શરુ થવી જોઇએ એવી લોકોમાં માંગ ઉઠી છે. અસમની ભાજપ સરકારની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકારે પણ કટ ઓફ ડેટ મુજબ નાગરિક કાનુની દસ્તાવેજીકરણ પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. કારણ કે નેશનલ રજીસ્ટર ઓફ સીટિઝન ઓફ ઇન્ડિયા હેઠળ શંકાસ્પદ નાગરીકોની જાત તપાસ કરી શકાય છે. એમ કરવાથી વર્ષો પહેલા ગેર કાયદેસરને કાયદેસરમાં તબ્દિલ થયા હોય તેવા કિસ્સામાં રેશનકાર્ડ જેવા પુરાવા આપવામાં મદદ કરનારા ભષ્ટ અધિકારીઓ પણ ખુલ્લા પડશે.ઘણી વાર ગેર કાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પણ પોતાનો રહેઠાણનો પુરાવો ધરાવતા હોય છે

પરંતુ આ પૂરાવો કેટલો જુનો છે તે પણ મહત્વનું છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ચંડોળા તળાવ તથા તેની આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વર્ષોથી રહે છે. આ ઉપરાંત કચ્છ,ભરુચ, સુરત, વડોદરા સહિત ગુજરાતના અનેક સ્થળે વસવાટ કરવા લાગ્યા છે. થોડાક સમય પહેલા એટીએસ દ્વારા ભરુચમાં એક સંદિગ્ધ બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી.તે બાંગ્લાદેશના ખૂલના જિલ્લાના બલિયા ડાંગનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. ખાસ કરીને છેતરપિંડીથી લગ્ન અને દેહ વેપારના સોદામાં પણ બાંગ્લાદેશીઓની શંકાસ્પદ ભૂમિકા હોય છે. બાંગ્લાદેશીઓ શરુઆતમાં કચરો વિણવો કે સાફ સફાઇનું કે ભંગાર વિણવાનું કામ કરીને પછી ધીમે ધીમે સેટ થઇ જતા હોય છે. વિઝા વગર બોર્ડર પાર કરીને ગેર કાયદેસર રીતે પ્રવેશ્યા બાદ ગુજરાત, જેવા વિકસિત રાજયમાં નાના મોટા ધંધા રોજગાર મળી રહે છે. આથી ગુજરાતમાં પણ સેંકડો બાંગ્લાદેશીઓએ રહેઠાણ બનાવ્યું હોવાની શંકા વ્યકત કરવામાં આવે છે. ભૂતકાળમાં ચંડાળા તળાવ,વટવા,નારોલ ઉપરાંત નોબલનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાંથી પણ બાંગ્લાદેશીઓ પકડાયા પણ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર