કોંગ્રેસમાં ફરી ઉકળતો ચરુ, બે વાર હારેલા,૨૦ હજાર મતોથી હારેલાં, ૭૦ વર્ષથી મોટાને ટિકીટ નહીં મળે
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (12:26 IST)
કોંગ્રેસમાં અત્યારથી જ ટિકીટોની ફાળવણી અંગે સળવળાટ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઈમાનદાર તેજસ્વી તારલાઓને ઉતારવા માટે કમરકસી છે. કોંગ્રેસ સ્ક્રિનીંગ કમીટીએ ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો નક્કી કર્યાં છે. ૭૦ વર્ષથી વધુ વયના, બે વખત હારેલાં અને ૨૦ હજાર મતોથી પરાજિત થયાં હોય તેવા દાવેદારોને ટિકીટ આપવામાં આવશે નહીં. કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીના ચેરમેન બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે એક બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓએ હાજરી આપી હતી.
આ બેઠકમાં કેવા ઉમેદવારોને ટિકીટ આપવી કે , જે ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે, મતદારોમાં પ્રભુત્વ જમાવી શકે તે નક્કી કરવામાં આવ્યુ હતું. અત્યાર સુધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ જ અંદરોઅંદર ટિકીટો નક્કી કરી પેનલોમાં નામ મૂકી દેતા હતાં. હવે સ્થાનિક નેતાઓનું કઇં ચાલશે નહીં. મત વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ ધરાવનારાં,જીતની શક્યતા ધરાવતાં, પ્રજાની સમસ્યામાં હરહંમેશ અગ્રેસર હોય તેવાં, પક્ષના વફાદાર હોય, પ્રક્ષવિરોધી પ્રવૃતિ કરી ન હોય તેવા દાવેદારને ધારાસભ્ય બનવાની પ્રથમ તક આપવામાં આવશે. બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓના પણ મત જાણવામાં આવ્યા હતાં. એવી પણ ચર્ચા થઇ કે, ઇલેકશન કમિટીએ તમામ પાસાંઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પેનલ બનાવવી પડશે. રાજકીય ભલામણ આધારે બાહુબલી,પૈસાદારને રાજકીય ભલામણ આધારે ટિકીટ નહી મળશે નહીં. સૂત્રોના મતે, પંદર દિવસમાં જ ઉમેદવારોની પેનલો બની જશે. એક કરતાં વધુ ઉમેદવારો હશે ત્યાં સમજાવટથી પણ ઉમેદવારો પસંદ કરાશે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે.બાલાસાહેબ થોરાટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસની જીતની તક છે. હકારાત્મક વાતાવરણ છે. જેને કોંગ્રેસના કાર્યકરો જીતમાં ફેરવવા શક્ય પ્રયાસો કરશે. વિધાનસભાની ચૂંટણી જીતવા શું શું કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી છે.આમ,કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરવાનો ધમધમાટ શરૃ કર્યો છે.