ગુજરાતના દરિયામાં ડિપ્રેશનથી 400 બોટ સંપર્ક વિહોણી, 9 ખલાસીઓ લાપતા થયા

ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (11:55 IST)
ગુજરાતમાં હાલમાં દરિયામાં વરસાદને કારણે માછીમારોને નહીં જવાની સૂચના અપાઈ છે. ત્યારે દરિયાનું વાતાવરણ ડહોળાતા માછીમારોમાં ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતનો દરિયો તોફાની બનતા મોટાભાગની બોટો નજીકના બંદરે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ભારે કરંટને કારણે બોટોને ચલાવવી મુશ્કેલ બની છે. પોરબંદરની 400 થી પણ વધુ બોટોના વી.એચ.એફ., જી.પી.એસ. બંધ હાલતમાં હોવાને કારણે આ બોટો સંપર્ક વિહોણી બની હોવાનું માચ્છીમાર બોટ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું હતું. પોરબંદર સહિત ગુજરાતભરના દરિયામાં કરંટને કારણે લોઢ જેવા મોજા ઉછળી રહ્યા છે

જેને પગલે માચ્છીમારી કરવા નીકળેલી બોટો આ દરિયામાં ફસાઈ છે.દરિયો તોફાની બનતા પોરબંદરની ‘પુષ્પક’ નામની બોટ પોરબંદર પરત ફરી રહી હતી એ જ દરમિયાન હર્ષદ-મીયાણી નજીકના દરિયામાં આ બોટ ડૂબી જતા 6 જેટલા ખલાસીઓ પણ દરિયામાં ગરક થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનને થતા તેમણે તુરંત જ કોસ્ટગાર્ડને જાણ કરતા તેઓએ આ ખલાસીઓની શોધખોળ આદરી છે. અન્ય એક ઘટનાની વાત કરીએ તો પોરબંદરના ઓલ વેધર પોર્ટ નજીક ‘રોઝીકૃપા’ નામની બોટને દરિયાના મોજાએ ફંગોળી દેતા કુલ 7 જેટલા ખલાસીઓ દરિયામાં ખાબક્યા હતા જેમાં 3 ખલાસીઓને કોસ્ટગાર્ડે રેસક્યુ ઓપરેશન હાથ ધરીને બચાવી લીધા હતા અને ઈજાગ્રસ્ત બનેલા આ ખલાસીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અન્ય 4 જેટલા ખલાસીઓ લાપતા બનતા તેમની શોધખોળ આદરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે માચ્છીમારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર