ગણેશ ચતુર્થીએ વાંચો ઉપલેટાનાં ઢાંક ગામના ગણપતિ મંદિરે ૨૫ વર્ષથી ચાલતી પરંપરા અંગે

શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (16:09 IST)
ઉપલેટા તાલુકાનાં ઐતિહાસિક ઢાંક ગામે બસ સ્ટેશન પાસે શ્રી સિધ્ધિ વિનાયક ગણપતિ દાદાનું એક માત્ર એવું મંદિર છે, જયાં ભાવિકો પોતાનું દુઃખ ટપાલ લખી વ્યકત કરે છે અને પૂજારી બાપ્પાને વાંચી સંભળાવે છે. છેલ્લા ૨૫ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. રોજ અનેક ટપાલો મંદિરનાં સરનામે મળે છે, અનેક ભાવિકોની મનોકામનાં પૂર્તિનાં પણ ઉદાહરણો જોવા મળે છે. પૂજારી ભરતગીરીજી ગોસ્વામીએ જણાવ્યું કે, મારા પિતા દયાગીરીજીનાં વખતથી આ પ્રથા ચાલુ છે. કોઇ સંકટ કે દુઃખ હોય તો ભાવિકો પોસ્ટ કાર્ડ લખે છે, પોસ્ટ કાર્ડ, ટપાલની વિગત ગણપતિ દાદા સમક્ષ વાંચવામાં આવે છે. અને ભકતજનનું સંકટ દૂર કરવા વિનંતી કરવામાં આવે છે.

રોજ ૨૫ થી ૪૦ જેટલા પત્રો મળે છે. ગણેશોત્સવથી દિવાળી સુધીનાં દિવસોમાં પત્રોની સંખ્યા વધી રોજની ૧૫૦ થી ૨૦૦ થઈ જાય છે. પત્રોને વાંચન બાદ સાચવી પણ રાખવામાં આવે છે. ગુજરાતનાં ગામડે... ગામડેથી ભકતજનો અહીં આવે છે. મુંબઇ, પૂના, મહારાષ્ટ્રથી પણ ભાવિકો અહીં માથુ નમાવવા આવે છે. ખાસ કરીને ગણેશોત્સવ દરમ્યાન ભાવિકોનો ભારે ધસારો રહે છે. ઢાંક ગામમાં ચારેય દિશાઓમાં ગણપતિ દાદા બિરાજે છે. દરેકનાં મુખ નગર એટલે કે ગામ તરફ છે. કહે છે કે, જયાં - જયાં ગણપતિ દાદા બિરાજતા હોય ત્યાં આધિ - વ્યાધિ, ઉપાધિ કે કુદરતી આફતો આવતી નથી. ઢાંક ગામમાં પણ કયારેય આફત આવી નથી. એવી પણ લોકવાયકા છે કે, પાંડવો આ વિસ્તારમાં આવ્યા હતાં અને ગણપતિજી સહિત શિવ પરિવારની પૂજાવિધિ કરી હતી. આશરે બે હજાર વર્ષે પૂર્વે ઢાંકનું નામ પ્રેહપાટણ હતું. એક સાધુ મહારાજે જોઇ કારણોસર શ્રાપ આપી ઢાંકને હતું ન હતું કરી નાખ્યું! ગામ જમીનમાં દટાયું ને માયા એટલે કે ધન - દોલત માટી થઇ ગયા. બાદમાં ભકતજનોએ ગજાનન સમક્ષ ગામને ફરી વસાવવા પ્રાર્થના કરી, અને ગામ વસ્યુ. ત્યારથી આજ સુધી ગણપતિ બાપ્પા ભકતોની અરજ સાંભળતા આવ્યા છે, દુઃખ દૂર કરતા આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર