ભાજપના પૂર્વ ધારાસભ્ય અપક્ષ ચૂંટણી લડશે

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (16:13 IST)
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં આમઆદમી પાર્ટીના ગુજરાતના નેતા ડૉ. કનુભાઈ કલસરિયા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેશે. કેજરીવાલે આમ આદમી પાર્ટી 2017ના અંત સુધીમાં યોજાનારી ગુજરાતની વિધાનસભા ચૂંટણી ન લડવાનું નક્કી કરતા ડૉ. કલસરિયાએ આ નિર્ણય કર્યો છે.  એક સમયે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની ગતિવિધિઓ ખાસ્સી વધારી હતી, પક્ષના વડા કેજરીવાલ પણ અનેક વાર ગુજરાતની મુલાકાતે આવી ગયા હતા, પરંતુ દિલ્હી મ્યુનિસિપલની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન કંગાળ રહેતા પક્ષે ગુજરાતમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. ડૉ. કલસરિયા ભલે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના હોય, પરંતુ તેઓ આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ‘કેજરીવાલજીએ જણાવ્યું છે કે, પક્ષ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં નહીં ઝંપલાવે, જોકે પક્ષના નેતાઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહી શકે છે. 2012ની ચૂંટણીમાં પણ હું અને અન્ય ચાર ઉમેદવારો સદ્દભાવના મંચના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. હું મહુવાથી ચૂંટણી લડીશ, જ્યારે મારા સાથી રાજુલા, ગારિયાધાર અને અન્ય બે બેઠકો પરથી ચૂંટણી લડશે. કેજરીવાલે જણાવ્યું છે કે, પક્ષના ગુજરાતમાં નેતાઓ એક ફોરમ રચી પક્ષના ચૂંટણી ચિન્હ વગર ચૂંટણી લડી શકે છે, જેથી સદ્દભાવના મંચ રાજ્યના અન્ય ભાગોમાં પણ ચૂંટણી લડી શકે છે.’મહુવામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા હોવા છતાં 2012ની ચૂંટણીમાં જંગી માર્જિનથી હારી ગયેલા ડૉ. કલસરિયાએ જણાવ્યું હતું કે, અમારું કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નથી પરંતુ ગુજરાતમાં ભાજપને હરાવવો જ અમારું લક્ષ્ય હોવાથી અમે એકબીજાના વોટ કપાય નહીં તે માટે કોંગ્રેસ સાથે અનૌપચારિક સમજૂતી કરી શકીએ છીએ.એક સમયે ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ડૉ. કનુ કલસરિયાએ મહુવામાં 2009થી 2012 દરમિયાન ખેડૂતોની જમીન મામલે ચલાવાયેલી ચળવળની આગેવાની લેતા ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે 2012માં સદ્દભાવના મંચ રય્યો હતો અને તેના બેનર હેઠળ તેઓ મહુવાથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. ત્યાર બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર