પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ગ્રસ્ત બાળકની લાશ રઝળી, પિતા પુત્રની લાશ લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયાં

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (13:21 IST)
ગુજરાતમાં હાલમાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર મચી ગયો છે. ત્યારે સરકાર અને તંત્રની નિષ્ફળતાઓ સહેજ પણ છુપી રહી નથી. પાલનપુર સિવિલમાં શંકાસ્પદ સ્વાઈન ફલૂથી ગુરુવારે બાળકનું મોત થતાં હાહાકાર મચી ગયો છે. જોકે બાળકની લાશ એક કલાક સુધી રઝળતાં રહેતાં ખળભળાટ મચી ગયો છે. પુત્રની લાશ પિતા ખભા પર લઇ સિવિલ પરિસરની બહાર પહોંચી જતાં ઘટનાની પાલનપુર સિવિલનાં સ્ટાફને જાણ થતાં સિક્યુરિટીએ પાછળ દોટ મૂકી બાળકની લાશને પરત લાવી દીધી હતી.

મૂળ રાજસ્થાનના ધોરીમન્ના ગામના અને ધાનેરા તાલુકામાં હડતા ગામમાં ખેત મજૂર તરીકે કામ કરતાં આદમભાઇ સમા પરિવારનાં સાત વર્ષિય દીકરાને શ્વાસની તકલીફ થતાં ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂર જણાતાં પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં પાલનપુર સિવિલમાં તબીબને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ જણાતાં બાળકને અહીંના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો.જોકે, થોડી જ વારમાં બાળકનું મોત થઇ જતાં પરિવારજનો બાળકની લાશને ખભે ઉંચકી રેલવે સ્ટેશન તરફ લઇને ચાલતી પકડી હતી. દર્દીનાં પરિવારજનો આ પ્રકારે દર્દીની લાશને ખભે ઉંચકીને સિવિલ કમ્પાઉન્ડની બહાર નિકળી જતાં સિવિલ સ્ટાફમાં દેકારો મચી ગયો હતો. અત્રે ત્વરિત દર્દીનાં પરિવારને શોધવા સિક્યુરિટી સ્ટાફે દોટ લગાવી હતી. જો કે, મૃતકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં લાવી દેવાયા બાદ એક કલાક સુધી પાર્કિંગમાં લઇને પરિવાર બેઠો રહ્યો હતો.હાલ સ્વાઇનફ્લૂનો કહેર છે તેવામાં દર્દીઓનાં સગાઓને માસ્ક આપવામાં આવે તે ઇચ્છનીય છે. જો કે, કેટલાક દર્દીનાં સગાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સિવિલમાં માંગવા છતાં માસ્ક આપવામાં આવતા નથી. માસ્કને બજારથી ખરીદીને લાવવાનું કહેવામાં આવે છે.પરિવારનાં સભ્ય જ્યારે અહીં પાર્કિંગ શેડમાં જ લાશને લઇને બેઠો હતો ત્યારે ફરજ પરના મહિલા તબીબ રેખાબેન મહેશ્વરીએ પરિવારનાં સભ્યોની મુલાકાત લેવા આવીને અહીંથી ત્વરીત હટી જવા તાકીદ કરી હતી. અને અહીં બેઠા રહેવાથી લોકો ભેગા થાય છે તેમ જણાવી ત્યારથી જતાં રહ્યા હતા. બાળકને લઇને સારવાર માટે આવેલા તેના પિતાએ જણાવ્યું હતું કે, ‘બાળકને સવારે સાડા દસ વાગ્યે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ઇન્જેક્શન આપ્યા બાદ થોડીવારમાં તેનું મૃત્યું થયું હતું.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર