અમદાવાદમાં ભવ્ય રામ મંદિર બનાવવા અલ્પેશ ઠાકોર સરકાર પાસે 50 વિઘા જમીન માંગશે

બુધવાર, 31 મે 2017 (18:18 IST)
રાજ્યમાં વ્યસન મુક્તિ અને દારૂ બંધીના કડક અમલની માગણી સાથે આંદોલન કરી રહેલા ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ ભવ્ય રામમંદિર બનાવવા માટે સરકાર પાસે અમદાવાદ જિલ્લામાં ૫૦ વીઘા જમીનની માગણી કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજ્યની ૮૭ જેટલી વિધાનસભાની બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખવાની પણ તૈયારી શરૂ કરી છે. સોમનાથમાં ઓ.બી.સી. એકતા મંચના અલ્પેશ ઠાકોર વિજય સંકલ્પ યાત્રા સાથે સોમનાથમાં પહોંચ્યા બાદ ત્યાં તાકીદની કારોબારીની બેઠક બોલાવી હતી.

જેમાં મુખ્ય ૩પ કોર કમિટીના સભ્યોએ બંધબારણે ચર્ચા કરવામાં આવી હતી. ૮૭ વિધાનસભામાં બૂથ મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ૧પ થી રપ તારીખમાં જાહેર સભા કરવામાં આવશે મુખ્ય ત્રણ મહાસંમેલન રાજકોટ, ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં મહાસંમેલનો યોજાશે તેમાં ધારાસભ્યો પાસેથી હિસાબ માગવામાં આવશે તેમની કામગીરીની ઉઘરાણી કરવામાં આવશે. અયોધ્યામાં રામમંદિર બને કે ના બને, પરંતુ ગુજરાતમાં અમદાવાદ ખાતેના ચલોળા ગામે પ૦૦ વિઘા માગવા માટે અમારું પ્રતિનિધિમંડળ વિજય રૂપાણી પાસે જવાનું છે, રામમંદિર અયોધ્યામાં બનવાનું હતું તેવું જ રામ મંદિર ગુજરાતમાં બનશે અને તેનું ભૂમિપૂજન ૧૮મી જૂન ૨૦૧૭ના રોજ કરાશે, એવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. સરકાર પાસે પાંચ માગણીઓ કરવામાં આવેલ છે જેમાં ગુજરાતમાં તમામ ખેડૂતોને ખેતર સુધી પાણી આપવા, ગુજરાતમાં તમામ બેરોજગારોને રોજગારી આપવા, ગુજરાતમાં સસ્તું શિક્ષણ યોગ્ય ગુણવતાવાળું અને તમામ સરકારી સ્કૂલોનું નવીનીકરણ, ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધી કરવા વગેરેનો સમાવેશ થાય છે

વેબદુનિયા પર વાંચો