ભાજપ હવે લોકોની આંખમાંથી ઉતરી ગયો સભાઓમાં હવે લોકો ચાલતી પકડે છે.

સોમવાર, 8 મે 2017 (14:23 IST)
ગુજરાતમાં મોદીના નામે તરી જનારો ભાજપ હવે લોકોની આંખમાંથી જાણે ઉતરી રહ્યો હોય તેવા દ્રશ્યો પ્રકાશમાં આવતા થયાં છે. નડિયાદ તથા જૂનાગઢમાં ભાજપની સભાઓમાંથી લોકો નેતાઓના ભાષણો ચાલુ થાય તે પહેલાં જ ચાલતી પકડી લીધી હતી. ભ્રષ્ટાચારીઓને બદનામ કરીને ખુલ્લા પાડવાનો ભાજપ સરકારે નિર્ધાર કર્યો છે. તેમ ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડા જિલ્લાના નડિયાદમાં 13મા રાજયવ્યાપી કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

નડિયાદમાં ખેડા અને આણંદ જિલ્લાનો કૃષિ મહોત્સવ શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે યોજાયો હતો. આ સાથે પંકજ દેસાઇના નિવાસ સ્થાને ચરોતરમાં વિધાનસભા ટિકિટ અંગે ચર્ચા થઇ હોવાની વાત સંભળાય છે. મુખ્યમંત્રીના અભિવાદન સમયે ખેડૂતોએ ચાલતી પકડી હતી.કાર્યક્રમ શરૂ થયા બાદ પણ વિશાળ મંડપમાં મુકવામાં આવેલી ડાબી બાજુની ખુરશીઓ ખાલી ખમ જોવા મળતી હતી. જયારે મહિલાઓની બેઠક વ્યવસ્થામાં પણ પાંખી હાજરી જોવા મળી હતી. જાણે ગરમીની અસર વર્તાઇ હોય તેવુ લાગી રહ્યું હતું. કૃષિ મહોત્સવમાં ભાષણ આપવા માટે ઉભા થયેલા મુખ્યમંત્રી વીજયરૂપાણીએ 11:30 ભાષણની શરૂઆત કરી હતી.  જે  11:43 કલાકે પૂર્ણ થઇ ગયું હતું. આમ માત્ર 13 મિનિટમાં જ 13માં કૃષિ મહોત્સવનું ભાષણ પૂર્ણ થઇ  જતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. નડિયાદના કૃષિ મહોત્સવમાં ખેડૂતોને લાવવા અને લઇ જવા માટે બંને જિલ્લામાં કુલ 300 એસ.ટી બસો ફાળવવામાં આવી હતી. જેના કારણે અનેક રૂટ કેન્સલ કર્યા હતા. જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતા.

વેબદુનિયા પર વાંચો