1999માં ગુજરાતમાં એન્ટી રોમિયો સ્કવોડ રચાઈ હતી, અમદાવાદ પોલીસે એન્ટિ રોમિયો સ્કવૉડ બનાવવાની જાહેરાત કરી

ગુરુવાર, 13 એપ્રિલ 2017 (15:57 IST)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નકશેકદમ પર ચાલતા અમદાવાદ પોલીસે પણ એન્ટિ રોમિયો સ્કવૉડ બનાવવાની જાહેરાત કરી છે.  એન્ટિ રોમિયો સ્કવૉડ સ્થાપનારા શરૂઆતના રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતે છેક 1999માં આવી સ્કવૉડ રચી હતી. પરંતુ આ સ્કવૉડ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં નવા વર્ષ, નવરાત્રિ અને ગૌરી વ્રત જેવા અવસરોએ જ સક્રિય હોય છે.

આ અવસરો દરમિયાન છોકરીઓ રાતના સમયે સાર્વજનિક સ્થળોએ કોઇ પણ જાતના ડર વગર હરીફરી શકે તેનું આ સ્કવૉડ ધ્યાન રાખતી હોય છે. એસપી (મહિલા સેલ) પન્ના ગોમાયાએ આ અંગે કહ્યું કે હવે છેડતી કરનારાઓ વિરુદ્ધ ફરિયાદ પર ત્વરિત પગલા લેવાની સાથે સાથે સંદિગ્ધ સ્થળોએ મોકડ્રીલ પણ યોજવામાં આવશે. અમે છોકરીઓને પણ અરાજક તત્વો સામે લડવા અને હેલ્પલાઇન નંબરની સહાય વડે પોલીસની મદદ લેવા માટે પણ શિક્ષિત કરીશું. આ સ્કવૉડ 18 એપ્રિલથી કાર્યરત થશે. આ દળમાં મહિલા અને પુરુષ મળીને 10 પોલીસકર્મીઓ સામેલ થશે. આ સ્કવૉડ સુરક્ષા માટે રાત્રિના સમયે પણ શહેરના એકાંત સ્થળોએ પેટ્રોલિંગ કરશે.

વેબદુનિયા પર વાંચો