ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બંને મુખ્ય રાજકિય પક્ષોનો જીતનો દાવો
બુધવાર, 12 એપ્રિલ 2017 (12:05 IST)
રાજ્યના 32 જિલ્લાની 1491 ગ્રામ પંચાયતોની શનિવારે યોજાયેલી ચૂંટણી બાદ મંગળવારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 1490 ગ્રામ પંચાયતોના પરિણામ સાંજે 4 વાગ્યા સુધીમાં જાહેર કરી દેવામાં આવ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તાલુકા મથકોએ મત ગણતરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોડી સાંજે તમામ પરિણામ જાહેર થઈ ગયા બાદ ભાજપએ 80% જ્યારે કોંગ્રેસે 69% પંચાયતો પર વિજયનો દાવો કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યમાં બીજા તબક્કામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચુંટણીમાં પણ ભાજપ સમર્થિત 80 ટકાથી વધુ સરપંચ તેમજ સદસ્ય ચુંટાઈને આવ્યા છે. જેમાં 133 મહિલા સહિત 349 જેટલી ગ્રામ પંચાયતો ભાજપની અપીલથી સમરસ બની હતી. પરિણામથી સ્પષ્ટ થાય છે કે, ભાજપનો વિજયરથ આગળ વધી રહ્યો છે.કોંગ્રેસે પણ 1491માંથી 860થી વધુ ગ્રામ પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત સરપંચો- સદસ્યોનો વિજય થયાનો દાવો કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં 64%, ઉત્તર ગુજરાતમાં 78%, મધ્ય ગુજરાતમાં 68% અને દક્ષિણ ગુજરાતમાં 62% આમ સરેરાશ 69 ટકાથી વધુ ગ્રામ પંચાયતો પર કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો-સરપંચોનો વિજય થયો છે. આથી ભાજપનો 80 ટકાથી વધુની જીતનો દાવો હાસ્યાસ્પદ છે.