વિધાનસભામાં રજૂ થયું સુધારા વિધેયક, ગૌહત્યા કરનારને આજીવન કેદ. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહનો ગાય પ્રેમ
શુક્રવાર, 31 માર્ચ 2017 (14:26 IST)
શુક્રવારે બજેટ સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં ગૌહત્યા અંગેના કડક કાયદાનું નવું સુધારા વિધેયક રજૂ થયું હતું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ગૌહત્યા કરનારાઓને આજીવન કેદની સજા આપતો કડક કાયદો વિધાનસભામાં રજૂ કર્યો હતો. સુધારા વિધેયક રજૂ કરતાં પહેલાં પ્રદીપસિંહ જાડેજાએ પોતાના પોતાના ફેસબુક એકાઉન્ટ પર ગાયો સાથેની તસવીરો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, આજે હું ગૌહત્યા કરનારાઓને આજીવન કેદની સજા આપતો કડકમાં કડક કાયદો વિધાનસભા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, ત્યારે મારા નિવાસ સ્થાનની અમારી ગાય 'ગંગી' તથા 'રાધા' સાથેનો સમય. રાજ્ય સરકાર દ્વારા ગૌહત્યા રોકવા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૌહત્યા અટકે તે માટે રૂપાણી સરકાર આ બજેટ સત્રમાં પશુ સંરક્ષક સુધારા વિધેયકને રજૂ કરવા જઈ રહી છે. આ વિધેયક મુજબ ગૌહત્યા કરનાર, તેની હેરફેર કરનાર કે વેચતો ઝડપનાર શખ્સને 7થી 10 વર્ષ અથવા આજીવન કેદ સુધીની સજા થઈ શકશે. ઉપરાંત તેમાં એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ હશે