વસ્ત્રાલ તોડફોડ મામલે હાર્દિક ક્રાઈમ બ્રાંચમાં હાજરી આપવા પહોંચ્યો

સોમવાર, 27 માર્ચ 2017 (12:36 IST)
વસ્ત્રાલના ભાજપ કોર્પોરેટર પરેશ પટેલના ઘરે જઈને હંગામો કરવાના કેસમાં હાર્દિક પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો. જોકે, તપાસ અધિકારી બહાર ગયા હોવાથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી નથી. કોર્પોરેટર પરેશ પટેલે હાર્દિક પટેલ, એસપીજીના નચિકેત મુખી તેમજ સ્થાનિક પાસના આગેવાનો વિરુદ્ધ કરેલી ફરિયાદના મામલે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો હતો.

ઉલ્લેખનીય છે કે, લક્ઝ્યુરીયસ ફોર્ચ્યુનર કારમાં ફરતો હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા ઓટોરીક્ષામાં આવ્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારના ભાજપના કોર્પોરેટર દ્વારા હાર્દિક પટેલ, રાહુલ પટેલ, કિરણ પટેલ સહિતના 60 લોકોને ખોટી રીતે ફસાવવા ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કાયદા અને ન્યાયતંત્રને માન આપીને હાર્દિક પટેલ સોમવારના રોજ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થશે. ભાજપ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જો કોઈ પણ પ્રકારની હાર્દિક સાથે રમત રમવામાં આવી તો તેનું પરિણામ આગામી દિવસોમાં ભાજપ સરકાર ભોગવવા માટે તૈયાર રહે.

વેબદુનિયા પર વાંચો