સુરતના ઉધનામાં 1 મિનિટમાં 2104 લોકોએ એકસાથે સ્વચ્છતા કરી બનાવ્યો અનોખો રેકોર્ડ

ગુરુવાર, 16 માર્ચ 2017 (10:01 IST)
ઉધનામાં મહા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક સાથે એક મિનિટમાં 2104 લોકોએ સ્વચ્છતા કરી ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. ઉધના વિસ્તારમાં આવેલા વિજયાનગર સ્ટેડિયમમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસને લઈને યુથ ફોર ગુજરાત દ્વારા મહા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોથી લઈને વૃદ્ધો જોડાયા હતા.

આ મહા સ્વચ્છતા કાર્યક્રમમાં 2104 લોકોએ એક સાથે એક મિનિટ સ્વચ્છતા કરી ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. અને આ કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ સંકલ્પ લીધો હતો કે, દર વર્ષ 100 કલાક સ્વચ્છતા કામ કરીશ.  મહા સ્વચ્છતા કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અનોખા રેકોર્ડ સાથે સાંસદ સી.આર.પાટીલને જન્મ દિવસની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને ગિનિસ બુકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેણે જણાવ્યું હતું કે, સ્વચ્છતાનો અગાઉનો રેકોર્ડ મેક્સિકોના નામે નોંધાવ્યો હતો. જે 1000 લોકોએ એકસાથે સ્વચ્છતા કરી નોંધાવ્યો હતો. જ્યારે આજે સુરતમાં 2104 લોકોએ એકસાથે સ્વચ્છતા કરી મેક્સિકોનો રેકોર્ડ તોડી નવો રેકોર્ડ નોંધાવ્યો છે.

વેબદુનિયા પર વાંચો