ભચાઉમાં અકસ્માતમાં એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી

સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:17 IST)
ગઈ કાલે ભચાઉ પાસે ટ્રિપલ અકસ્માત બનાવમા એક જ પરિવારના 10 લોકોની જિંદગી હણાઈ હતી. ત્યારે આજે સવારે એકસાથે આ તમામ લોકોની અર્થી ઉઠતા સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો. લોકોએ અશ્રુ સાથે પરિવારજનોને વિદાય આપી હતી. આ સમયે સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. એકસાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. કચ્છમાં ભચાઉ તાલુકાના મોટી ચિરાઈ પાસે એક ટ્રક અને ટ્રેલર સામ સામે અથડાયા. જેમાં વચ્ચે કાર આવી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ  અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માત અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 2 કલાકની જહેમત બાદ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવાર મૂળ રાજસ્થાનનો અને ભુજમાં રહેતો ધોબી પરિવાર હતો અને કબરાઉ ખાતે મોગલ માતાજીના દર્શન કરવા માટે ગયો હતો. જ્યાંથી દર્શન કરીને પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો. મૃત્યુ પામનારાઓમાં 5 મહિલાઓ હતી. એક સાથે 10 લોકોના મોતથી આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.વિજય રૂપાણીએ કચ્છમાં ગાંધીધામ ભચાઉ વચ્ચે થયેલા ઈનોવા કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી ઘવાયેલાઓની સારવાર તેમજ મૃતકોના મૃતદેહોની જરુરી વ્યવસ્થા માટે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક આદેશો આપ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર